ગાંધીનગર,
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચાર ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સામાવેશન અને અંત્યોદયને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે ગાંધીનગર ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને “ડાક ચૌપાલ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના હસ્તે આ પ્રસંગે પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, જેવી પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ તથા મહિલા સન્માન સુરક્ષા સેવિંગ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
પોસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી તા. ૧૫ ઓગસ્ટ ‘સ્વાતંત્ર્ય દિવસે’ ગામે ગામ પોસ્ટ ઓફિસ ખાતે ધ્વજવંદન સાથે ડાક ચૌપાલ થકી દરેક ગામમાં પોસ્ટ ઓફીસ દ્વારા આપવામાં આવતી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી સેવાઓ અંગે નાગરિકોને માહિતગાર કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ડાક વિભાગ દ્વારા સેવાઓને આધુનિક બનાવવા અને તેમના વિસ્તાર માટે કરવામાં આવેલ પ્રયત્નોનું પ્રદર્શન અને ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. “સરકારી સેવાઓ નાગરિકોને દ્વાર” સુધી લાવવાનાં લક્ષ્ય પર કેન્દ્રિત પોસ્ટ વિભાગની આ પહેલ નાગરિક કેન્દ્રિત સેવાઓ જેવી કે નાણાકીય, વીમા, પેમેન્ટ્સ બેંક, ડીબીટી, ઇ-કોમર્સ અને નિકાસ સેવાઓ અંગે વધુ જાગૃતિ લાવશે.
“ડાક ચોપાલ” થકી સરકારી કલ્યાણ યોજનાઓ અને તેમનાં ફાયદાઓ જનતાને પોસ્ટ ઑફિસ મારફતે પહોંચાડવામાં આવે છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) મારફતે પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો હવે મોબાઇલ બેન્ક તરીકે કામ કરી રહ્યાં છે, જે નાણાકીય સેવાઓને નાગરિકોના ઘર સુધી પહોંચાડે છે.
આજના યુગમાં ભારતીય ટપાલ વિભાગ સેવાઓને બદલાતી જતી પરિસ્થિતિ સાથે અનૂકુલન સાધી દેશના તમામ નાગરિકોને પોતાની સેવા પૂરી પાડવા કાર્યરત છે. ભારતીય ટપાલ વિભાગ જન્મથી લઈને મૃત્યુ સુધી નાગરિકોને જરૂર પડતી તમામ સેવાઓ એટલે કે આધાર કાર્ડથી લઈને પવિત્ર ગંગાજળ સુધીની તમામ સેવાઓ પુરી પાડે છે.આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, અમદાવાદ ક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ હેડ શ્રી ક્રિષ્ન કુમાર યાદવ, ગાંધીનગર પોસ્ટલ ડિવિઝનના સિનિયર સુપ્રિટેન્ડન્ટ શ્રી પિયુષ રાજક સહિત પોસ્ટ વિભાગના કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.