ઇસ્લામાબાદ,
પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોનો ગોલ્ડ મેડાલિસ્ટ પાકિસ્તાનનો અરશદ નદીમ આખી દુનિયામાં છવાય ગયો છે. અરશદે આ ફાઈનલમાં ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ અને ભારતનો સ્ટાર એથલેટ નીરજ ચોપરાને હરાવી આ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ઓલિમ્પિકના ઈતિહાસમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલો પાકિસ્તાની ખેલાડી બની ગયો છે. ત્યારબાદ અરશદ નદીમની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. તેમજ પાકિસ્તાન નહિ ભારતમાં પણ તેની ચર્ચા થઈ રહી છે. અરશદ માટે ઈનામનો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે એક મોટા વિવાદમાં ખેલાડી ફસાયો છે. તેનું કારણ છે એક આતંકવાદી સાથે અરશદની મુલાકાત. અરશદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે આતંકી સંગઠન લશ્કરે એ તૈયબાના આતંકવાદીની સાથે જશ્ન મનાવતા જોવા મળ્યો છે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી પાકિસ્તાન પરત ફરેલા અરશદ નદીમનું શાનદાર સ્વાગત થયું હતુ. પાકિસ્તાનના નેતા તેમજ અલગ અલગ લોકો અને સંસ્થાઓ તેનું સન્માન કરી રહ્યા છે.
પંજાબના ખાનવાલ જિલ્લાના મિયાં ચન્નુ ગામમાં રહેતો અરશદ પોતાના ઘરે પહોંચી ગયો છે અને અહીં પણ તેને મળવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. આ વચ્ચે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને સૌને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં અરશદની બાજુમાં લશ્કરનો આતંકી હારિસ ડાર બેસેલો છે અને બંન્ને ખુબ લાંબી વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. હવે સવાલ એ છે કે, આ વીડિયો ક્યારનો છે ઓલિમ્પિક પહેલાનો કે પછી ઓલિમ્પિક પૂર્ણ થયા બાદનો. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરશદ ઓલિમ્પિક ચેમ્પિયન બની પાકિસ્તાન પરત ફર્યા બાદનો આ વીડિયો છે. આ વીડિયો અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. શું અરશદ નદીમને ખબર નથી કે, તેની બાજુમાં બેસેલો આ વ્યક્તિ ખતરનાક આતંકી સંગઠનમાંથી એક લશ્કરનો ભાગ છે?હરિસ ડારની વાત કરીએ તો મળતી માહિતી મુજબ તે લશ્કરનો ફાઈન્નસ સેક્રેટરી છે. એટલું જ નહીં હરિસ ડારને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કુખ્યાત આતંકવાદીઓની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. તે પાકિસ્તાનના ફૈસલાબાદનો છે અને પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં આતંકવાદી તાલીમ શિબિરોનું આયોજન કરે છે.