વડોદરા,
માર્બલ પાવડરની આડમાં પ્રોફેશનલ પેકીંગ કરીને લવાતો વિદેશી દારૂના ટ્રકને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે, આ કાર્યવાહીમાં રૂ.18.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા પ્રોહીબીશન અને જુગારની બદીઓ ડામવા માટે રાત્રી દરમિયાન વરણામા પોલીસ મથક વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ પાંચાભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઇ કાનાભાઇને સંયુક્ત પણે બાતમી મળી કે, એક રાજસ્થાન પાર્સીંગની ટ્રકમાં મોટા પ્રમાણમાં પરમીટ વગરનો વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમો દ્વારા વરણામા ગામની સીમમાં ક્રિષ્ણા આઇ માતા હોટલ સામે વડોદરાથી ભરૂચ જતા ટ્રેક પર વોચ ગોઠવવામાં આવી હતી.
પોલીસને મળેલી બાતમીને આધારે મળતી આવતી ટ્રક દેખાતા તેને કોર્ડન કરીને સાઇડમાં લેવડાવવામાં આવી હતી. ટ્રકમાં તપાસ કરતા ચાલક એકલો મળી આવ્યો હતો. તેણે તેનું નામ ગોરધનસિંહ લખમાસિંહ પવાર (રહે. ઓડા રાઠોડો, કુંભલગઢ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. તેને સાથે રાખીને એલસીબીની ટીમો દ્વારા ટ્રકમાં તપાસ કરતા માર્બલના પાવડરની આડમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. આ પેટીઓને બે પ્લાસ્ટીકના લેયર સાથે પેક કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારે પ્રોફેશનલ પાર્સલનું પેકીંગ કરવામાં આવે છે.
આ કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્ય એસલીબીએ વિદેશી દારૂની 84 પેટીઓ ઝડપી પાડી હતી. જેમાંથી 2 હજારથી વધુ બોટલ-ટીન બીયર મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. 2.28 લાખ આંકવામાં આવી રહી છે. સાથે જ ટ્રક, મારબલ પાવડર મળી કુલ રૂ. 18.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી ચાલક સામે વરણામાં પોલીસ મથકમાં પ્રોહીબીશનની ફરિયાદ નોંધવામાં આવી છે. આમ, તહેવાોરની મોસમ ખીલી રહી છે, ત્યારે દારૂ રેલાવવાનો કિમીયો નાકામ કરવામાં ગ્રામ્ય એલસીબીને સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.