ભાવનગર/અમરેલી,
ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં અમરેલીના રાજુલામાં પડેલા 6 ઇંચ વરસાદના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અમરેલીના ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેથી અનેક ગામો સંપર્કવિહોણા બન્યા હતા.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પાસેના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં છે. સર્વિસ રોડ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવો પડ્યો છે. બગસરા ડેપોની ST બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને અનેક વાહનો રસ્તા પર બંધ પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજુલાના ચોત્રા ગામમાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બ્રિજ પર પાણી ફરી વળતા એમ્બ્યુલન્સ પરત ફરી હતી. જેના કારણે એક સગર્ભા મહિલાને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવામાં મુશ્કેલી પડી. ગામમાં બ્રિજ પાણીમાં ગરક થતા અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે.
સતત વરસતા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે પાકને પણ નુકસાન થવાની આશંકા છે. ખેડૂતો ચિંતિત છે કે વરસાદ જો આવી રીતે ચાલુ રહેશે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. કુલ મળી આખા અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદના કારણે અનેક ગામડાઓ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે, રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો છે. કણભા, રાજુલા, જાફરાબાદ અને બગસરા જેવા વિસ્તારોમાં હાલ સ્થાનિક તંત્ર એલર્ટ પર છે.
પ્રશાસને લોકોને અપીલ કરી છે કે નદી-નાળા કે ડેમ નજીક ન જાય અને હવામાન વિભાગના સૂચનોનું પાલન કરે. આગામી 24 કલાક દરમિયાન અમરેલી સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા ચાંચબંદર ગામની એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. ગામ વિક્ટર દરિયાઈ ખાડીની નજીક હોવાથી, મહિલાને બોટ મારફતે દરિયાઈ માર્ગે ખાડી પાર કરાવી સામા કાંઠે લાવવામાં આવ્યા હતા. સામા કાંઠે 108 એમ્બ્યુલન્સની ટીમ તૈયાર હતી, જેમણે સમયસૂચકતા વાપરીને મહિલાને તરત જ એમ્બ્યુલન્સમાં લીધા અને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનામાં દરિયાઈ માર્ગની અડચણ હોવા છતાં, બોટ અને 108 ટીમની સંયુક્ત કામગીરીથી મહિલાને સમયસર મદદ મળી હતી.
રાજુલામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે ધાતરવડી ડેમ-2માં પાણીનું લેવલ જોખમના નિશાન સુધી પહોંચી જતા એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી છે. પરિણામે ધાતરવડી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ડેમના દરવાજા ખોલાતા ખાખબાઈ ગામમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે ગામના લોકોમાં ભયનું વાતાવરણ છે. પાણી વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકો સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
બીજી તરફ ગઈકાલ રવિવારની રાત્રે રાજૂલા વિસ્તારમાં અનરાધાર વરસાદને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં સગર્ભા મહિલાની ડિલિવરીનો કિસ્સો સામે આવ્યો છે. સમઢીયાળા બંધારામાં પાણી આવવાને કારણે રાજુલાના ગ્રામ્ય વિસ્તારો, ખાસ કરીને ચાંચબંદર જતો માર્ગ બંધ થઈ ગયો હતો, જેના કારણે ડિલિવરી માટે હોસ્પિટલ પહોંચવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ. જોકે, સ્થાનિક લોકોએ તત્પરતા દાખવીને JCBની મદદથી મહિલાને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી બહાર કાઢી અને સુરક્ષિત સ્થળે પહોંચાડી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની ટીમે મહિલાને રાજુલા હોસ્પિટલ પહોંચાડી, જ્યાં મહામહેનતે મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી હતી. આ ઘટનામાં કુદરતી આફત વચ્ચે પણ માનવતા અને સમયસૂચકતાના કારણે માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકાયો હતો.

સુરત જિલ્લામાં માવઠાથી ડાંગરના પાકને ભારે અસર પહોંચી છે. સતત વરસતા વરસાદને કારણે ડાંગરના પાકમાં ભેજ આવી ગયો છે, જેના કારણે પાકની ગુણવત્તા ઘટી ગઈ છે. આવી સ્થિતિમાં ડાંગરની ખરીદી કરતી વિવિધ મંડળીઓએ પોતાની ખરીદી તાત્કાલિક બંધ કરી દીધી છે. તાપી નદીના કિનારેથી લોકોને અવર-જવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉપરવાસમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે, જેથી આગામી કલાકોમાં તાપી નદીના જળસ્તરમાં વધુ વધારો થવાની શક્યતા છે.
મહુવા, કુંભારવાડા, સિહોર સહિતનાં વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. મહુવામાં ભારે કમોસમી વરસાદ થતા તાલુકો પાણી-પાણી થયો છે. વડલી ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતાં મેડિકલ સુવિધાઓ ખોરવાઈ ગઈ છે, જેનાથી સ્થાનિકોને જરૂરી સારવાર મેળવવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી ટ્રાફિક અને જનજીવન પ્રભાવિત થયું છે. ખેતરોમાં પાણી ભરાતા પાકને પણ નુકસાનની ભીતિ સર્જાઈ છે. વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસવાની સૂચના આપી છે. આ ઉપરાંત, મોટા ખુટવડાથી બોરડી ગામને જોડતો પુલ પણ તૂટી પડ્યો છે, જેનાં કારણે મુખ્ય માર્ગ બંધ થયો છે અને વાહન વ્યવહાર ઠપ થયો છે. શેત્રુંજી ડેમની વાત કરીએ તો ઉપરવાસમાં પડેલા વરસાદનાં કારણે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે. નવા નીરની આવક થતા શેત્રુંજી ડેમનાં 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. બીજી તરફ જેસર પંથકમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. શાંતિનગર, કોટામુઈ, બિલા અને ઉગલવણમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે માલણ ડેમનાં 30 દરવાજા ખોલવામાં આવ્યા છે.

