પાલનપુર
ગુજરાતમાં એરંડા ઉગાડતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે એક મોટી પહેલ, એરી સેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટ આજે શરૂ કરવામાં આવ્યો હતો, જે રેશમ ઉત્પાદન અપનાવવાથી વધારાની આવક પેદા કરતી પ્રવૃત્તિ તરીકે મદદ કરશે. ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં એરંડાના છોડ ધરાવતા એરિક્ચરના વિસ્તરણમાં પણ મદદ કરશે. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, કાપડ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પાલનપુરમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (એસડીએયુ) અને કલ્યાણ ફાઉન્ડેશન ખાતે આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે એક સમજૂતી પત્રનું આદાન-પ્રદાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ,કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી શ્રી પબિત્રા માર્ગેરિટા અને ટેક્સટાઇલ મંત્રાલયના સચિવ શ્રીમતી રચના શાહ તેમજ ગુજરાત સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગિરિરાજ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે, “આ પ્રોજેક્ટ એક મોટી ક્રાંતિ લાવશે અને ભવિષ્યમાં આ શહેર સિલ્ક સિટી તરીકે ઓળખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્પણ અને દ્રઢ વિશ્વાસને કારણે નર્મદાનું પાણી કચ્છના રણ સુધી પહોંચ્યા છે. આ સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને કૃષિ ક્ષેત્ર માટેનું બજેટ વધારીને 1.50 લાખ કરોડ રૂપિયાથી વધુ કરવામાં પ્રતિબિંબિત થાય છે. આ દેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચલાવે છે અને તેમના નેતૃત્વમાં બધુ જ શક્ય છે. તે ધરતીપુત્ર છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને 6 હજાર રૂપિયા આપી રહી છે. અગાઉ કૃષિ બજેટ 21,000 કરોડ રૂપિયા હતું અને હવે તેમાં વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટની અસર પડોશી રાજ્ય રાજસ્થાન જેવા મળશે અને તેનાથી આગળ યુપી અને બિહારમાં પણ જોવા મળશે.

ખેડૂતોને સંબોધતાં રાજ્ય મંત્રી શ્રીમતી પબિત્રા માર્ગેરિટાએ જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટના શુભારંભમાં સુવિધા આપવા બદલ હું ગુજરાત સરકારનો આભાર માનું છું. આજે મને એ વાતનો ગર્વ છે કે આ પ્રોજેક્ટના શુભારંભની સાથે જ રાજ્યમાં વેપાર-વાણિજ્યનું એક નવું પરિમાણ જોડાઈ ગયું છે. રેશમ ક્ષેત્ર 90 લાખ લોકોને ખાસ કરીને મહિલાઓને રોજગારની તકો પૂરી પાડે છે. મંત્રાલય રેશમ ઉત્પાદનના વિકાસ માટે સમર્પિત છે. અમે એક ઇકોસિસ્ટમ બનાવવા માંગીએ છીએ જેથી વૈશ્વિક બજાર તેમાંથી ઉગાડવામાં આવેલા ટકાઉ ઉત્પાદનોને કાયદેસરતા આપે.”
આ પ્રસંગે ટેક્સટાઇલ સેક્રેટરી રચના શાહે જણાવ્યું હતું કે, “ટેક્સટાઇલ સેક્ટર દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેમાં ભારત બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક અને રેશમનો સૌથી મોટો ગ્રાહક છે. સેન્ટ્રલ સિલ્ક બોર્ડે ઉત્પાદન વધારવા માટે વિવિધ પ્રયાસો કર્યા છે અને આ પ્રોજેક્ટ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.”
આ કાર્યક્રમ દરમિયાન એક ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું અને પ્રદેશના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.