કેન્દ્રીય મંત્રી શ્રી જે. પી. નડ્ડા તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી તિરંગાયાત્રાનો કરાવ્યો પ્રારંભ

સોશિયલ મીડિયા પર શેર કરો

રાજકોટ,

હજારો રાજકોટિયન્સના ઉમંગ-ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રી જગતપ્રકાશ નડ્ડા, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય જળશક્તિમંત્રી શ્રી સી.આર. પાટીલે આજે રાજકોટના રેસકોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ- ગાંધીનગર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત હર ઘર તિરંગા યાત્રા – ૨૦૨૪માં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. સૌ મહાનુભાવોએ સૌપ્રથમ રેસકોર્સ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ જનસભાને સંબોધી હતી. કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાત તપસ્વી સંતો-મહંતો, સમાજ સુધારકો, સ્વાતંત્ર સેનાનીઓ, વીરોની ભૂમિ છે, જેની માટીમાંથી આપણને પ્રેરણા મળે છે. આ ભૂમિને હું નમન કરું છું. આ ભૂમિ આપણી આંતરિક ચેતનાને પ્રજ્જવલિત કરે છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી.

કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે અહીં ચોમેર તિરંગો લહેરાઈ રહ્યો છે ત્યારે એ જોઈને આપણને આઝાદીના કાળખંડની યાદ આવે છે. આઝાદીની લડાઈમાં ગુજરાતનું મોટું યોગદાન રહ્યું છે. ગુજરાતના મહાત્મા ગાંધી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને ક્યારેય ના ભુલાવી શકાય. ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃતકાળમાં દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાનું સપનું જોયું છે અને તેને સાકાર કરવાની નેમ લીધી છે. તેમણે યુવાનોને અપીલ કરી હતી કે, આપણને આઝાદી સરળતાથી નથી મળી. હજ્જારો વીર-શહીદોએ બલિદાનો આપ્યા છે તથા લાખો પરિવારોએ પોતાના સુખ-ચેન ત્યાગીને દિવસ-રાત જોયા વિના મા ભારતીની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો. આ મહાનુભાવો અને આઝાદીના સંઘર્ષનો ઈતિહાસ આપણે યાદ રાખવો જોઈએ. ૯મી ઓગસ્ટ ૧૯૪૨ એ મહાત્મા ગાંધીજીએ “અંગ્રેજો હિન્દ છોડો”ની કરેલી હાકલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, આ આંદોલન જન-જનનો અવાજ બની ગયું હતું અને અંગ્રેજોને પડકાર આપ્યો હતો. એ પછી અનેક અનેક આંદોલનો ચાલ્યા અને દેશ આઝાદ થયો હતો. 

કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશની આઝાદી માટે અનેક વીર જવાનો શહીદોએ પોતાના બલિદાનો આપ્યા છે, આજે અનેક સુરક્ષા જવાનો બોર્ડર પર ફરજ બજાવીને દેશની સરહદોને સુરક્ષિત રાખે છે. જેના કારણે આપણે શાંતિ અને સલામતીના વાતાવરણમાં જીવીએ છીએ. તો નાગરિક તરીકે આપણું પણ કર્તવ્ય છે કે, આ આઝાદીનો ઉપયોગ કરીને અમૃત કાળમાં ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા માટે આપણું શ્રેષ્ઠ યોગદાન આપવાનો સંકલ્પ લઈએ, એ જ તિરંગા યાત્રાની સફળતા ગણાશે. 

તેમણે કહ્યું હતું કે, જ્યારે વિશ્વના મોટા દેશોની આર્થિક વ્યવસ્થાઓ કથળી રહી હતી ત્યારે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ હરણફાળ ભરીને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. તિરંગા યાત્રામાં આપણે સૌ સંકલ્પ લઈએ કે દેશને આગામી ૩૦ વર્ષમાં વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું.  

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશે સાધેલા વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ઓટો-મોબાઈલના ક્ષેત્રમાં ભારત જાપાનને પાછળ છોડીને ત્રીજા ક્રમનો અગ્રણી દેશ બની ગયો છે. તો આજે મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત ૯૭ ટકા મોબાઈલનું ઉત્પાદન ભારતમાં થાય છે. એક સમયે સંરક્ષણ સંસાધનો વિદેશથી આયાત કરવા પડતા હતા પરંતુ આજે ભારત દેશ બુલેટ પ્રુફ જેકેટ સહિતના સાધનોનો વિદેશમાં નિકાસ કરતો થઈ ગયો છે. ઉપસ્થિત યુવા પેઢી તથા ભાવિ પેઢીને આહવાન કરતાં તેમણે કહ્યું હતું કે, દેશને વિકસિત બનાવવામાં તમારા સૌનું યોગદાન ખૂબ મહત્વનું છે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વને જનઆંદોલન બનાવવા દેશભરમાં “હર ઘર તિરંગા” યાત્રાનો વિચાર અમલમાં મુક્યો છે. દેશના ગૌરવ સમાન તિરંગાની ગરિમાને જાળવી રાખવાના અવસરમાં રાજકોટવાસીઓના અનેરા ઉત્સાહને બિરદાવતા તેમણે કહ્યું કે,”આપણો તિરંગો સૌ દેશવાસીઓને એકસૂત્રતામાં બાંધે છે. વડાપ્રધાનશ્રી દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલા “મેરી માટી મેરા દેશ”, “આઝાદી કા અમૃત મહોત્સવ”, “તિરંગા યાત્રા” સહિતના અભિયાનોએ નાગરિકોમાં નેશન ફર્સ્ટની ભાવનાને પ્રબળ કરવામાં સફળતા મેળવી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જન-જનમાં રાષ્ટ્રભક્તિ વધુ બળવત્તર બને તે માટે આરંભાયેલું આ મહાઅભિયાન હવે ઘર-ઘર સુધી પહોંચ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પાવન અવસરે સ્વરાજ મેળવવા માટે અગ્રીમ ભૂમિકા ભજવનારા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક વંદન કરતા ઉમેર્યું હતું કે, “રાષ્ટ્રીય ચેતનાના પ્રેરક એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દેશને સુરાજ્ય સાથે વિકસિત બનાવવા તરફ સતત આગળ વધી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ યાદગાર પર્વમાં તમામ નાગરિકો રાષ્ટ્રભક્તિ સાથે  સહયોગી બને તેવી શુભેચ્છાઓ આ તકે પાઠવી હતી. 

રાજકોટનાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ સંબોધનમાં કહ્યું હતું કે, નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રગટે અને દેશભાવના જાગૃત થાય તે હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન મુજબ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જનસભામાં મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઠાકરે સ્વાગત પ્રવચન કર્યું હતું. અત્યારે દેશમાં એક પેડ માઁ કે નામ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સૌ મહાનુભાવોનું ફૂલ-છોડના કુંડાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જનસભા બાદ સૌ મહાનુભાવોએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તમામ મહાનુભાવો હાથમાં તિરંગો લઈને રેસકોર્સથી જયુબિલી ગાર્ડન સુધી જોડાયા હતા. જ્યાં મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ યાત્રાનું ઠેર ઠેર સંગીતની સુરાવલીઓ, પરંપરાગત નૃત્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂટ પરથી જ્યારે તિરંગા યાત્રા પસાર થઈ ત્યારે લોકોએ પુષ્પવૃષ્ટિ કરીને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો. 

 તિરંગા યાત્રાના આરંભ પૂર્વે બહુમાળી ભવન ખાતે મુખ્ય સ્ટેજ ખાતે ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. કણબી રાસ, માંડવી, મણીયારો રાસ, બેડા નૃત્ય,  પાંચાળનો ડોકા રાસ, નળકાંઠાના પઢારોનો મંજીરા રાસ, ડાંગી નૃત્ય, ઢાલ-તલવાર નૃત્ય, મિશ્રા રાસ, રાઠવા નૃત્ય છોટાઉદેપુર, માલધારીઓનો ગોફ રાસ,  ગરબા, ચોરવાડનું ટિપ્પણી નૃત્યએ રંગત જમાવી હતી. આ તકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ, રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબહેન રંગાણી, સાંસદો સર્વશ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વશ્રી ઉદયભાઇ કાનગડ, ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવાંગ દેસાઈ, જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા શ્રીમતી નીલુબહેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા, અગ્રણીઓ સર્વશ્રી ડૉ. ભરતભાઈ બોઘરા, શ્રી મુકેશભાઈ દોશી, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા વગેરે જોડાયા હતા. 

તિરંગા યાત્રામાં રાજકોટ અનેક શાળાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો, સામાજિક સેવા સંસ્થાઓ, વેપારી તથા ઉદ્યોગ સંગઠનો, કોલેજ તથા યુનિવર્સિટીના અધ્યાપકો તથા છાત્રો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *