અમદાવાદ
અમદાવાદમાં જાહેર પરિવહન સેવા BRTS બસ સ્ટેન્ડો પર સ્ટાફની ગેરહાજરી હોવાનું સામે આવ્યું છે. શહેરના આસ્ટોડિયા દરવાજા,
આસ્ટોડિયા ચકલા, કાલુપુર અને જુના વાડજ બસ સ્ટેન્ડ પર 17 ડિસેમ્બરની બપોર બાદ ટિકિટ આપવા માટે રાખવામાં આવેલો
સ્ટાફ હાજર ન હોવાનું સામે આવ્યું છે. એક મુસાફરે આસ્ટોડિયા દરવાજા પાસે સ્ટાફ ગેરહાજર હોવાનો વીડિયો ઉતારી સોશિયલ
મીડિયામાં વાઇરલ કર્યો હતો તથા BRTSમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે બીજા ત્રણ બસ સ્ટેન્ડ પર પણ સ્ટાફ ન હોવાનું
સામે આવતા કોન્ટ્રાક્ટર એજન્સી સમીર.એમ.શાહને માત્ર સામાન્ય દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. રોજના લાખોની
સંખ્યામાં મુસાફરો BRTS બસમાં મુસાફરી કરે છે. કોર્પોરેશનની એક આવક પણ બસમાંથી ઊભી થાય છે, પરંતુ બસ સ્ટેન્ડ પર
મુસાફરોને ટિકિટ આપવા માટે રાખવામાં આવેલી ટિકિટિંગ સ્ટાફની એજન્સીની બેદરકારી સામે આવી છે. ગઈકાલે 17 ડિસેમ્બરના
રોજ સોશિયલ મીડિયા ઉપર જાગૃત મુસાફર દ્વારા વીડિયો ઉતારીને વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં આસ્ટોડિયા દરવાજા બસ
સ્ટેન્ડ પર કોઈપણ ટીકીટિંગ સ્ટાફ હાજર નહોતો. જે મુસાફર બસ સ્ટેન્ડ પર આવી રહ્યા હતા તેઓ ટિકિટ લેવા માટે ટિકિટ બારી પર
ગયા હતા, પરંતુ ત્યાં કોઈ પણ વ્યક્તિ હાજર નહોતો. બસ સ્ટેન્ડ પર હાજર સિક્યુરિટી સ્ટાફને પૂછતા બપોર બાદ કોઈ પણ ટિકિટ
સ્ટાફ હાજર નથી તેવું જણાવ્યું હતું.સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થયો હતો અને બાદમાં મુસાફર દ્વારા બીઆરટીએસ
તંત્રને પણ ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે તંત્ર દ્વારા ત્યાં તપાસ કરવામાં આવતા આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા
ચકલા, કાલુપુર અને જુના વાડજ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બપોર બાદ કોઈપણ સ્ટાફ આવ્યો ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
જેના પગલે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર એજન્સી સમીર.એમ.શાહને જાણ કરવામાં આવી હતી. ટિકિટિંગ સ્ટાફ મૂકવાની જવાબદારી
એજન્સીની હોવા છતાં પણ તેઓ દ્વારા સ્ટાફ મૂકવામાં આવ્યો નથી, જેના પગલે તંત્ર દ્વારા હવે તેની સામે કાર્યવાહી કરવામાં
આવી છે. જોકે તંત્ર દ્વારા માત્ર તેને એક લાખ રૂપિયાનો દંડ ફટકારી સંતોષ માનવામાં આવશે. બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર
અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ભૂતકાળમાં ટિકિટિંગ કૌભાંડ પણ સામે આવ્યું હતું. જૂની ટિકિટ આપી અને
લોકો સાથે છેતરપિંડીનો પણ બનાવ બન્યો હતો કોન્ટ્રાક્ટર એજન્સી સમીર.એમ.શાહ દ્વારા બસ સ્ટેન્ડ પર ટિકિટિંગ સ્ટાફ ન મૂકી
અને કોર્પોરેશનને નુકસાન કરવામાં આવ્યું છે, પરંતુ બીઆરટીએસ તંત્રના અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટર એજન્સીને માત્ર સામાન્ય દંડ
ફટકારી સંતોષ માની રહી છે. આસ્ટોડિયા દરવાજા, કાલુપુર અને વાડજ આ ખૂબ જ ભરચક અને રોજના અનેક મુસાફરો મુસાફરી
કરતા હોય છે ત્યારે લોકોને વગર ટિકિટે મુસાફરી કરવાની ફરજ પડી હતી.

