સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ વિર્સજન વખતે ગાંધીનગરમાં દુર્ઘટના, ત્રણ લોકોના મોત

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

દશામાના વ્રતનો છેલ્લો દિવસ હોવાથી શ્રધ્ધાળુઓ દ્વારા ઘરે સ્થાપન કરેલી મૂર્તિને નદીમાં પધરાવવા ગયા હતા ત્યારે ગાંધીનગર સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. શ્રધ્ધાળુઓ ભાવપૂર્વક માતાજીને વિદાય આપી રહ્યા હતા ત્યારે જ એક દુર્ઘટના બની હતી. જેમાં અચાનક જ મૂર્તિ પધરાવતી વખતે એક કિશોરી પાણીમાં ડૂબવા લાગી હતી. તેને જોઇને અન્ય 4 લોકો તેને બચાવવા કુદયા પણ તેમાંથી 2 લોકો નદીમાં ડૂબ્યા. બૂમાબૂમ થતાં જ સ્થાનિકોએ લોકોને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો પરંતુ 3 લોકો ડૂબી જતાં મોત નીપજ્યું હતું. 

આ બાબતે મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર – 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે આવેલા એક પરિવારની બાર વર્ષની પૂનમ પ્રજાપતિ નામની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને બચાવવા એક પછી એક ચાર લોકોએ પાણીમાં કૂદી શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા.

આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણઝારા, ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિની લાશ બહાર કાઢી છે. બનાવના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *