રાજકોટ,
રાજકોટ પોલીસની ટીમને એક મોટી સફળતા મળી છે જેમાં પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલટી સાથે ત્રણ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં આ દુર્લભ પદાર્થની કિંમત 2.963 ગ્રામ એમ્બરગ્રીસ સહિત કુલ 2 કરોડ 97 લાખની માનવામાં આવે છે. બાતમીના આધારે પોલીસે આરોપીને 2.963 ગ્રામ એમ્બરગ્રીસ સહિત કુલ 2 કરોડ 97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વહેલ માછલીની ઉલટીના ગ્રાહકો શોધવા આરોપીઓ આવ્યા હતા. રાજકોટના શાસ્ત્રી મેદાન સામેથી માછલીની ઉલટી સાથે આરોપી ઝડપાયા હતા. પોલીસે સમગ્ર તપાસ વન વિભાગને સોંપી છે.
વ્હેલ માછલીની ઉલટીનો વેપાર ગેરકાયદેસર માનવામાં આવે છે તેથી પોલીસને માહિતી મળતાની સાથે જ રાજકોટના શાસ્ત્રી મેદાનમાંથી 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. તેમજ તાત્કાલિક ધોરણે તેમની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.
એમ્બરગ્રીસ એક દુર્લભ કુદરતી પદાર્થ છે, જે સ્પર્મ વ્હેલ (શુક્કર માછલી) ના પાચનતંત્રમાં બને છે. અમુક વ્હેલ માછલીઓના પેટમાં આ પદાર્થ રચાય છે અને તે ઉત્સર્જન થવાથી સમુદ્રમાં વરસો સુધી તરતો રહે છે. સમય જતા તે એક ખાસ સુગંધ ધરાવતો મોંઘો પદાર્થ બની જાય છે, જેનો ઉપયોગ મુખ્યત્વે લક્ઝરી પરફ્યુમ ઉદ્યોગમાં ફ્રેગ્રન્સ સ્ટેબિલાઈઝર તરીકે થાય છે.
ભારતમાં વ્હેલ માછલીઓ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુરક્ષિત પ્રજાતિ છે, જેના કારણે એમ્બરગ્રીસનો વેપાર, વેચાણ, ખરીદી અને સંગ્રહ ગેરકાયદેસર છે. વિશ્વભરમાં આ પદાર્થ માટે મોટું ગેરકાયદેસર નેટવર્ક કાર્યરત છે, અને ભારતમાં પણ તસ્કરો અવારનવાર આ પદાર્થના વેપાર માટે ઝડપી પડાતા રહે છે.

