નવી દિલ્હી
સંદીપ વાલ્મીકી આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી હતા. વર્ષ 2016માં રાશન કાર્ડ બનાવવાના વિવાદાસ્પદ કેસમાં એક મહિલાએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ પછી સીએમ અરવિંદ કેજરીવાલે સંદીપને મંત્રી પદ પરથી હટાવી દીધા હતા અને પાર્ટીમાંથી પણ હાંકી કાઢ્યા હતા. આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સંદીપ વાલ્મિકીને ભાજપમાં જોડાયાના ત્રણ કલાક બાદ જ હાંકી કાઢવામાં આવ્યા હતા. સંદીપ શનિવારે હરિયાણાના પંચકુલામાં મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીની હાજરીમાં તેના સાથીદારો સાથે ભાજપમાં જોડાયા હતા. સીએમએ પોતે જ તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા. પરંતુ 3 કલાક બાદ તેમને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. ખેસ પહેરેલા સીએમ નાયબ સિંહ સૈનીનો ફોટો વાયરલ થયાના થોડા સમય પછી, સંદીપ વાલ્મીકીના વિવાદો સાથે જોડાયેલા જૂના સમાચારો સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યા. આ વાતને વેગ મળતા જ ભાજપે કાર્યવાહી કરી હતી. એવો આરોપ છે કે સંદીપે તેમના પર લાગેલા ગંભીર આરોપો સાથે જોડાયેલા તથ્યો છુપાવ્યા અને પાર્ટીને ગેરમાર્ગે દોર્યા. આ પછી પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા.
ભાજપના પ્રદેશ મહાસચિવ સુરેન્દ્ર પુનિયા દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીના પૂર્વ મંત્રી સંદીપ વાલ્મિકી ભાજપમાં જોડાયા હતા, પરંતુ તેમણે પોતાની પૃષ્ઠભૂમિ છુપાવી હતી. તથ્યો સામે આવતા જ ભાજપે સંદીપને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી હટાવી દીધા હતા. પાર્ટીએ કહ્યું કે સંદીપ ભવિષ્યમાં કોઈપણ રીતે પાર્ટી સાથે જોડાશે નહીં.સંદીપ શનિવારે સાંજે લગભગ 8 વાગે પાર્ટીના પંચકુલા કાર્યાલયમાં ભાજપમાં જોડાયા હતા અને લગભગ 11 વાગે તેમને પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.