ખોટા સર્ટી આપી નોકરી મેળવનારાની તપાસ, ફરી અધિકારીઓનો મેડિકલ ટેસ્ટ થશે

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

દિવ્યાંગતાનું સર્ટી આપીને વિકલાંગ ક્વોટામાં આઈએએસની નોકરી મેળવનાર અને દેશના કોઈપણ ખૂણામાં કામ કરતા તમામ અધિકારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રની પૂજા ખેડકાર કાંડ બાદ UPSC હરકતમાં આવી ગયું છે. યુપીએસસી દ્વારા તમામ વિકલાંગ આઈએએસ અધિકારીઓનો ફરીથી મેડિકલ ટેસ્ટ કરીને  વિકલાંગતાનું હાલનું નવું સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. વિકલાંગતાનું સર્ટીફિકેટ આપીને આઈએએસ બનનાર મહારાષ્ટ્રની પૂજા ખેડકર કાંડ બાદ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલેકે, UPSC એ દેશભરમાં આ નવો નિયમ લાગૂ કર્યો છે. જેને પગલે વિકલાંગતાનું સર્ટી રજૂ કરીને IAS તરીકે ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેતાં અધિકારીઓ પણ હાલ સવાલોના ઘેરામાં આવી ગયા છે. ગુજરાત સરકારમાં આઈએએસ તરીકે ફરજ બજાવી રહેલાં આવી પાંચ અધિકારીઓએ પણ ફરીથી મેડિકલ ટેસ્ટ કરાવીને વિકલાંગતાના હાલના નવા સર્ટી યુપીએસસીમાં રજૂ કરવાના રહેશે. વિકલાંગ ક્વોટામાં ઓબીસીમાં નોન-ક્રીમી લેયર આપીને આઈએએસની નોકરી મેળવનાર મહારાષ્ટ્રની પૂજા ખેડકર હાલમાં જ અનેક સવાલોના ઘેરામાં ઘેરાઈ હતી. ત્યારે પૂજા ખેડકાર કાંડ બાદ હવે ગુજરાત સરકાર પણ સફાળી જાગી છે. આ કેસને ધ્યાને રાખીને ગુજરાત સરકારના આઈએએસ કેડરના અધિકારીઓને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. સરકારે ગુજરાતમાં વિકલાંગ કવોટામાં કામ કરતા 5 IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ લેવાની તૈયારી કરી છે.  સૂત્રોની માનીએ તો પૂજા ખેડકર કાંડ બાદ ગુજરાત સરકાર પણ સફાળી જાગી છે અને એકદમથી હરકતમાં આવી છે. ગુજરાતના અધિકારીઓ પર પણ પૂજા ખેડકર જેવા આરોપો લાગ્યા હતાં. એવા આરોપ લાગ્યા હતા કે, ગુજરાતના 5 આઈએએસ અધિકારીઓએ પણ વિકલાંગ તરીકેનું પ્રમાણપત્ર દર્શાવીને આઈએએસ ક્વોટામાં ખોટી રીતે સિવિલ સર્વિસમાં નોકરી મેળવી છે. આ આક્ષેપોને ધ્યાને લઈને ગુજરાત સરકારે આવા તમામ 5 અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરીને વિકલાંગતાની ખરાઈ કરવા આદેશ કર્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્ર કેડરની 2022 બેચની IAS ઓફિસર પૂજા ખેડકરને લઈને દેશભરમાં ભારે ઓહાપોહ મચ્યો હતો. પુણેમાં પ્રશિક્ષણ દરમિયાન તેની માગણીઓને કારણે ચર્ચામાં આવેલી પૂજા ખેડકર. તે સમયે પૂજા ખેડકરે કહ્યું હતું મને અલગ કેબિન, કાર અને ફલેટ આપો. સાથે જ તેણે માંગ્યો હતો વીઆઈપી નંબર. વિવાદને પગલે સરકારે ખેડકરની વાશીમ ટ્રાન્સફર કરી દીધી હતી. સત્તાના દુરુપયોગના ગંભીર આરોપો તેના પર લાગ્યા હતા. અત્યારસુધી તેમનાં ડિસેબિલિટી સર્ટિફિકેટ, નોન-ક્રીમી લેયર પર સવાલો ઊઠી રહ્યા હતા. પૂજા ખેડકરે UPSC પરીક્ષામાં 821મો રેન્ક મેળવ્યો છે. ઉલ્લેખનીય છેકે, IAS ઓફિસર પૂજા ખેડકરે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવા માટે પોતાને નોન-ક્રિમિ OBC ઉમેદવાર જાહેર કર્યા હતા. પૂજા ખેડકરના પિતાએ તાજેતરમાં કરી હતી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી. જોકે તેમના પિતાએ તેમની ચૂંટણી એફિડેવિટમાં 40 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. આવી સ્થિતિમાં આઈએએસ પૂજા ઓબીસી નોન-ક્રીમી લેયર ઉમેદવાર હોવા અંગે સવાલો ઊઠી રહ્યા છે કે જો ઉમેદવારના પિતાની સંપત્તિ 40 કરોડ રૂપિયા હોય તો તેના બાળકને ઓબીસી નોન- ક્રીમી લેયરમાં કેવી રીતે ગણી શકાય. પૂજા ખેડકર કાંડ બાદ ખુદ ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે રાજ્યના પાંચ અધિકારીઓના વિકલાંગ સર્ટિફિકેટ અંગે શંકાઓ વ્યક્ત કરતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છેકે, ગુજરાતમાં આઈએએસ તરીકે ફરજ બજાવી રહેલાં પાંચ અધિકરીઓ પૈકી એક સિનિયર અધિકારીએ દ્રષ્ટિહીનતા જ્યારે બીજા ત્રણ અધિકારીઓએ લોકોમોટિવ ડિસેબિલિટીના કારણો દર્શાવીને સરકારમાં આઈએએસ તરીકે નોકરી મેળવી છે.  સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્યમાં તમામ આઈએએસ, આઈપીએસ, અને આઈએફએસ અધિકારીઓ કે જેમણે વિકલાંગ સર્ટિફિકેટ રજૂ કર્યા છે, તેમણે ફરીથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ફરીથી આ નવુ વિકલાંગ સર્ટિફિકેટ યુપીએસસી સમક્ષ રજૂ કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *