અમદાવાદ,
સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા, અમદાવાદ ખાતે તા.૧૦/૧૧/૨૦૨૫ થી તા. ૧૬/૦૧/૨૦૨૬ દરમિયાન અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય લોક સેવાના ૮૨ અધિકારીઓ માટે સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સ (SFC) નું આયોજન કરવામાં આવેલ છે. જેના ઉદઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે માન. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડેમીના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી ઉદિત અગ્રવાલ ખાસ હાજર રહેલ હતા. સ્પીપાના મહાનિદેશક શ્રી હારીત શુક્લા, IAS ના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ આ કોર્સના ઉદઘાટન સત્રમાં આ કોર્સના કોર્સ ડાયરેક્ટર શ્રી વિજય ખરાડી, IAS તથા સ્પીપાના નાયબ મહાનિદેશક શ્રી ચંદ્રેશ કોટક, IAS પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓમાં IPS, IFoS, IA&AS, IRS (C&IT), IRS (IT), IIS, IPOS, ITS, ICLS, IDAS તથા IRPFS જેવી અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય લોક સેવાની વિવિધ કેડર્સના અધિકારીઓનો સમાવેશ થાય છે.
ડૉ. હસમુખ અઢિયાએ અધિકારી તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “અધિકારીઓ માટેનો આ તાલીમ કાર્યક્રમ સમય સાથે ઘણો બદલાયો છે. તાલીમ હંમેશા સમય અને સમાજની જરૂરિયાતો અનુસાર બદલાતી રહે છે. આ કોર્સ દરમિયાન અધિકારી તાલીમાર્થીઓને અન્ય સર્વિસના અધિકારીઓ સાથે મળવાની અને વિચાર વિનિમય કરવાની તક મળશે. જે ફરી ક્યારેય નહીં મળે. આ એક એવો સમય છે જ્યારે અધિકારી તાલીમાર્થીઓ જીવન, કારકિર્દી અને લક્ષ્યો વિષે વિચાર કરી શકશે.”
ઉપરાંત, તેઓએ અધિકારી તાલીમાર્થીઓને જણાવ્યું હતું કે, “તમારે તમારા જીવનના લક્ષ્યો વ્યક્તિગત કે રાષ્ટ્રીય સેવા સંબંધિત – બંને વિષે વિચારવાનો આ સમય છે.” વધુમાં શ્રી અઢિયાએ આ અધિકારી તાલીમાર્થીઓને ગુજરાત મુલાકાત દરમિયાન માત્ર સાંસ્કૃતિક સ્થળો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી જગ્યાઓ જ નહિ. પણ અહીંની વિશિષ્ટ પ્રશાસકીય અને સામાજિક સંસ્કૃતિને પણ સમજવાનો પ્રયત્ન કરવા જણાવ્યું હતું.
શ્રી અઢિયાના મતે, ગુજરાતને અન્ય રાજ્યો કરતાં અલગ બનાવે છે તેનો ઉદ્યોગસાહસિક સ્વભાવ અને એ સ્વભાવ માત્ર સમાજમાં જ નહીં, પણ મંત્રીઓ અને અધિકારીઓના વર્તનમાં પણ દેખાય છે. બહારથી આવતા અધિકારીઓ પણ આ ઉદ્યોગસાહસિક સંસ્કૃતિથી પ્રેરિત થાય છે અને તેઓમાં જોખમ લેવાની, નવી પહેલ કરવાની ભાવના વિકસે છે. ઉત્તર પ્રદેશ કે બિહાર જેવા રાજ્યોમાંથી આવેલા અધિકારીઓ અહીં આવીને પણ ઉત્તમ ઉદ્યોગસાહસિક બને છે.
૧૦ અઠવાડિયા સુધી ચાલનાર આ કોર્સમાં તાલીમાર્થી અધિકારીઓને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, લો, બેસિક ઇકોનોમિકસ ફોર એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ એન્ડ બિહેવિયરલ સાયન્સ, ભારતનું સંવિધાન, ભારતનો ઈતિહાસ અને વારસો જેવા વિષય પર પ્રખ્યાત વ્યાખ્યાતાઓ દ્વારા લેક્ચર્સ આપવામાં આવશે. તદુપરાંત, આ અધિકારી તાલીમાર્થીઓને હિમાલયન ટ્રેકિંગ, વિલેજ વિઝીટ, ગુજરાતના વિવિધ બેસ્ટ પ્રોજેક્ટ્સની મુલાકાત જેવી જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવશે.

