ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે સ્વચ્છતા અભિયાન અને તિરંગા વોક યોજાઈ
દ્વારકા/ભાવનગર,
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતભરમાં ‘હર ઘર તિરંગા’ સાથે સમગ્ર રાજ્યના નાગરિકો જોડાયા છે. જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રીના ‘હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા વહિવહી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. જેને પગલે આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓળખ સમાં સુદર્શન સેતુ ખાતે ૨૧૫૧ ફૂટ લંબાઈના વિશાળ તિરંગા સાથે જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યા, લીલીઝંડી આપી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ઓખાના સુદર્શન સેતુ ખાતે યોજાયેલ વિશાળ તિરંગા યાત્રામાં પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સહિતના મહાનુભાવો, યુવાઓ, બાળકો, પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ, પોલીસ જવાનો સહિતના વંદે માતરમ્, ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી ગુંજી ઉઠ્યું હતું
દેશભરમાં યોજાયેલ તિરંગા યાત્રામાં આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ટિમરવા ગામના મહિલાઓ, લોકો સહિત બાળકોનો રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂર્વે દેશભક્તિના રંગે રંગાયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો હતો. સૌએ તિરંગાની આન,બાન અને શાન જાળવી રાખવા રાષ્ટ્રધ્વજને હાથમાં લઇને સન્માન સાથે લહેરાવીને આ ઉત્સવમાં સહભાગી બન્યા હતા.
સાથોસાથ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે સ્વચ્છતા અભિયાન અને તિરંગા વોક યોજાઈ હતી. આ તિરંગા યાત્રા અને સ્વચ્છતા અભિયાનમાં ગામોમાં ગ્રામજનોએ પોતાના ગામની સફાઈ કરી, ઘરો પર તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. તેમજ ઘોઘા તાલુકાની વિવિધ શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનના કાર્યક્રમમોમાં દેશભકિતના ગીતો વગાડવામાં આવ્યા હતા, શાળામાં આઝાદીની ચળવળ અને શહીદોના બલિદાનોની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી તેમજ દેશનું ગૌરવ અને હર ઘરની શાન તિરંગો તેમજ ‘સેલ્ફી વિથ તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ભાવનગર જિલ્લાના વાલિયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળા ખાતે હરઘર ત્રિરંગા યાત્રા દરમ્યાન સેલ્ફી ઝોન ઊભા કરવામાં આવ્યા હતા જ્યાં બાળકો એ સેલ્ફી પડાવી વંદે માતરમના નારા સાથે ત્રિરંગા યાત્રા યોજી હતી. આ યાત્રામાં શાળાના આચાર્ય કાલિદાસભાઈ રોહિતે રાષ્ટ્દવજનું મહત્વ બાળકોને સમજાવ્યું હતું. યાત્રા પૂર્ણ થયા બાદ શાળામાં રંગપૂરણી, ચિત્રકામ અને રંગોળી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આઝાદીના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં પુસ્તકાલયના બાળ વિભાગ દ્વારા બાળકો માટે આઝાદી અને સ્વાતંત્ર્ય સંગ્રામને લગતા પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ પુસ્તક પ્રદર્શન નિહાળ્યું હતું અને આઝાદી વિષયક માહિતી મેળવી હતી.