અમરેલી,
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જળસંપત્તિ અને પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાને પત્ર લખી રજૂઆત કરી હતી કે સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થવાથી સૌની યોજના હેઠળ ડેમ ભરવા માગ કરવામાં આવી છે. નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે તેનું પાણી સૌરાષ્ટ્રના ડેમોમાં છોડાય તેવી માગ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના ડેમ ભરાતા પાણીના તળ ઉંચા આવશે જેથી ખેડૂતોને લાભ થશે.ધારાસભ્ય મહેશ કસવાલાના પત્રમાં જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થયો છે. જેમાં ખાસ કરીને અમરેલીમાં ઓછો વરસાદ પડ્યો છે. આ વર્ષે અમરેલીમાં સીઝનનો 63 ટકા વરસાદ વરસ્યો છે. જેથી આગામી સમયમાં પાણીની અછત ન સર્જાય તે માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા સૌરાષ્ટ્રના ડેમ ભરવા માટે મુખ્ય પ્રધાન અને જળસંપત્તિ, પુરવઠા પ્રધાન ને પત્ર લખી વિનંતી કરવામાં આવી છે.