સરબજોતના કોચ અભિષેક રાણા ગુરુકુલ કુરુક્ષેત્રના ભુતપૂર્વ વિદ્યાર્થી : સફળતાનો શ્રેય શ્રી આચાર્ય દેવવ્રતજીને આપ્યો

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતનાર નિશાનેબાજ સરબજોત સિંહનું આજે ગુરુકુલ કુરુક્ષેત્રમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કરનાર શૂટર સરબજોતના આગમન પર, ગુરુકુલના વિદ્યાર્થીઓએ પુષ્પવર્ષા કરી હતી. ગુરુકુલના સંરક્ષક અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સરબજોત અને તેના કોચ અભિષેક રાણાનું સ્વાગત કર્યું હતું.

સરબજોના કોચ અભિષેક રાણા ગુરુકુલ કુરુક્ષેત્રના પૂર્વ વિદ્યાર્થી છે અને ગુરુકુલની શૂટિંગ રેંજમાં જ તેઓ શૂટિંગ શીખ્યા છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે  કહ્યું કે, સરબજોતે પોતાની કુશળતા અને ગુરુઓના માર્ગદર્શનમાં દેશ-દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે કહ્યું કે, ગુરુકુલમાં વિદ્યાર્થીઓને સંસ્કાર અને નૈતિક મુલ્યોની શિક્ષાની સાથે સાથે તેમની પસંદગી અનુસારની રમતગમતમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવામાં આવે છે, જેના પરિણામે આજે ગુરુકુલના વિદ્યાર્થી અભિષેક રાણાનો શિષ્ય મેડલ જીતીને આવ્યો છે. તેમણે કહ્યું કે  ગુરુકુલના બાળકો અભ્યાસની સાથે રમતગમતમાં પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે છે. તેમણે યુવાઓને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે સરબજ્યોત અને અભિષેક રાણાને ઓલમ્પિક મેડલ માટે અભિનંદન પાઠવ્યા હતા.

અભિષેક રાણાએ પોતાની સફળતાનો શ્રેય શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુરુકુળ કુરુક્ષેત્રને આપતાં કહ્યું કે, આચાર્યશ્રી દ્વારા કહેવાયેલા શબ્દો, “ દીકરા તારામાં ગટ્સ છે,  તું કરી શકે છે” આજે પણ મારા કાનમાં ગુંજી રહ્યા છે અને મને સતત પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે, ગુરુકુલ એક એવી સંસ્થા છે જ્યાં શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં બાળકોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.

ઓલિમ્પિયન સરબજોત સિંહે કહ્યું કે, તેઓ પ્રથમ વખત ગુરુકુલમાં આવ્યા છે, પરંતુ અહીંનું વાતાવરણ અને બાળકોનું સારું સ્વાસ્થ્ય જોઈને અંદાજ લગાવી શકાય છે કે શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં અહીં રાષ્ટ્ર નિર્માણનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ આગામી ઓલિમ્પિકમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતશે. 

આ અવસરે  પ્રધાન રાજકુમાર ગર્ગ, ડાયરેક્ટર બ્રિગેડિયર ડૉ. પ્રવિણ કુમાર, પ્રિન્સિપાલ સૂબે પ્રતાપ, વ્યવસ્થાપક રામવિલાસ આર્ય, શૂટિંગ કોચ બલબીર સિંહ, મુખ્ય સંરક્ષક સંજીવ આર્ય ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *