
અમદાવાદ શહેરમાં ગત અઠવાડિયે પોલીસ કર્મચારીઓએ એક વાહન ચાલકને માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો. જે બાદ
બીજો એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલાથી પોલીસનું આઇડી કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારીએ મહિલાને લાફા
માર્યા હતા. મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા હતા કે તેમના આંખ પર લોહી નીકળવા લાગ્યું હતું. આ અંગે મહિલા જ્યારે
પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને પીઆઇએ મહિલાની ધમકાવીને
ફરિયાદ લેવાની ના પાડી હતી છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી. તો અન્ય એક બનાવમાં
ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતથી પણ પોલીસના ગેરવર્તનનો એક નિંદનીય કિસ્સો સામે આવ્યો છે. ઉમરા પોલીસ સ્ટેશનના એક
કોન્સ્ટેબલની આ સમગ્ર ગેરવર્તણૂક દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મોડી રાત્રે દુકાન
ખુલ્લી રાખવા બદલ વેપારીને કાયદેસરની સમજૂતી આપવાને બદલે અથવા કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે કોન્સ્ટેબલ સીધો જ
વેપારી પર હાથ ઉપાડે છે. CCTV ફૂટેજમાં જોવા મળતી આ ઘટનામાં કોન્સ્ટેબલ દુકાનદારને એક જોરદાર લાફો મારે છે અને
ત્યારબાદ ત્યાં હાજર અન્ય વ્યક્તિ સાથે પણ મારપીટ કરી તેને ધક્કો મારે છે. જોકે વેપારીએ નિયમનો ભંગ કરી મોડી રાત સુધી દુકાન
ચાલુ રાખી હતી, પરંતુ પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવાને બદલે સરેઆમ મારપીટ કરવી તે ગંભીર સવાલ ઊભા કરે છે. આ
ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાસ્કરે ભોગ બનનાર વેપારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો
હતો, જોકે ભયના માર્યા ભોગ બનનાર વેપારી હજુ સુધી અધિકૃત રીતે સામે આવ્યો નથી.
તો સુરતના કિસ્સામાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરહરદાન ગઢવીનો એક ચોંકાવનારો વીડિયો હાલ
સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક દુકાનદારને બેફામ માર મારતા નજરે પડે છે. આ ઘટનાના CCTV ફૂટેજ
સામે આવ્યા બાદ પોલીસ વિભાગની છબી ખરડાઈ છે. વીડિયોમાં કોન્સ્ટેબલની દાદાગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેને પગલે હવે
પોલીસ બેડામાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટના
અંગે ACP વિજય મલ્હોત્રાએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર બનાવ કયા સંજોગોમાં બન્યો અને તેની
પાછળનું સાચું કારણ શું હતું તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. CCTV ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે ગણીને તપાસ આગળ
ધપાવવામાં આવશે અને જો તપાસ દરમિયાન પોલીસ કર્મચારી દોષિત જણાશે, તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાં અને યોગ્ય
કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે.
18 ડિસેમ્બર, 2025એ અમદાવાદમાં ખાખી ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસને
સલાહ આપતા જણાવ્યું હતું કે, પોલીસિંગ તેવી થવી જોઈએ કે ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ. અમદાવાદ ગ્રામ્ય પોલીસને સલાહ
છે કે ગુનેગારોની ચાલ બદલાઈ જવી જોઈએ તે કોઈ નવાઈ નથી. ગુનેગારોને પોલીસના ડર રહે તેવો વ્યવહાર પોલીસનો રહેવો
જોઈએ તેવો મને વિશ્વાસ છે. કિલોમીટર દૂરથી કોઈ દાદા દાદી આવે અને પીઆઈ ખુરશી પરથી ઊભો થઈ પાણી આપશે તો
ફરિયાદીને જીવન જીવવાની તાકત વધશે. ફરિયાદી જોડે પીઆઇ ગુનેગારોની રીતે વાત કરશે તો વડીલો તેમની આશા ગુમાવી દેશે.
અમદાવાદ જિલ્લાના નાગરિકો સાથે પ્રેમથી વર્તન કરે તેવી પોલીસને સલાહ આપીએ.

