GLS યુનિવર્સિટીની કેન્ટીનમાં વેજના નામે નોનવેજનું વેચાણ, NSUIના ચેકિંગમાં ઈંડા મળ્યા, વિદ્યાર્થીઓનો ધર્મ ભ્રષ્ટ કરવાનો આક્ષેપ

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ
શહેરના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી GLS યુનિવર્સિટી એક નવા વિવાદમાં ફસાઈ છે. યુનિવર્સિટી કેમ્પસની કેન્ટીનમાં ફક્ત
વેજિટેરિયન ફૂડ જ આપવામાં આવે છે તેવું બોર્ડ લગાવવામાં આવ્યું હોવા છતાં અંદરખાને ઈંડા સહિતની નોનવેજ વસ્તુઓ વેચાતી
હોવાનો આક્ષેપ કરાયો છે. વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ NSUIના કાર્યકર્તાઓએ કેન્ટીનમાં ચેકિંગ કર્યું હતું. જેમાં વેજિટેરિયન ફૂડ જ
નહીં પરંતુ નોનવેજની વસ્તુઓનું પણ વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વેજિટેરિયન ફૂડ સાથે નોનવેજ
રાખીને લોકોનો ધર્મ ભ્રષ્ટ કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ NSUIના કાર્યકર્તાઓએ હોબાળો કરતા તેમને બહાર કાઢી
ગેટ પર તાળું મારી દેતા અન્ય વિદ્યાર્થીઓને કલાકો સુધી અંદર રહેવું પડ્યું હતું. GLS યુનિવર્સિટીની કેન્ટીનમાં ફક્ત વેજિટેરિયન ફૂડ
મળતું હોવાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. અનેક વિદ્યાર્થીઓએ આ બાબતે ફરિયાદ કરી હતી કે, બોર્ડ પર વેજ દર્શાવાય છે, પરંતુ
અંદર કેન્ટીનમાં ઈંડાની વાનગીઓ વેચવામાં આવી રહી છે. તેમ છતાં યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈ ધ્યાન આપ્યું નહીં. જેથી
વિદ્યાર્થીઓની આ ફરિયાદ બાદ NSUIના કાર્યકરો યુનિવર્સિટી કેમ્પસ પહોંચ્યા હતા અને કેન્ટીનમાં તપાસ હાથ ધરી હતી. ચેકિંગ
દરમિયાન ઈંડા સામે આવતા હાજર સ્ટાફને જ્યારે NSUIના કાર્યકર્તાઓએ પૂછ્યું તો તેને ઈંડા વેજ હોવાનું કહેતા કાર્યકર્તાઓ ભારે
રોષે ભરાયા હતા. જે બાદ એક NSUIના કાર્યકર્તાએ ઈંડાને વેજ કહેનાર વ્યક્તિને ઈંડા ખવડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમજ
મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો હતો.
NSUI કાર્યકરોએ કરેલી તપાસ દરમિયાન કેન્ટીનમાંથી ઈંડાની વાનગીઓ મળી આવી હતી. વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે બહાર
ફક્ત વેજ હોવાનું બોર્ડ મારવામાં આવ્યું હતું. જ્યારે અંદર નોનવેજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. વેજનું બોર્ડ લગાવી
નોનવેજ વસ્તુઓનું વેચાણ થતા અન્ય વિદ્યાર્થીઓનો ધર્મ ભ્રષ્ટ થતો હોવાનો NSUIના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો. કારણ કે,
ઘણા વિદ્યાર્થીઓ ધાર્મિક કારણોસર અથવા વ્યક્તિગત પસંદગીના કારણે નોનવેજ ખોરાક લેતા નથી. આવી સ્થિતિમાં કેન્ટીનમાં વેજ
હોવાનો વિશ્વાસ રાખીને ફૂડ લેતા હોય અને પછી અંદર નોનવેજ વસ્તુઓ વેચાતી હોય તે જરાય પણ યોગ્ય ન હોવાનો NSUIના

કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો. NSUIના કાર્યકર્તાઓએ હોબાળો કરતા યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તાત્કાલિક કેન્ટીન બંધ કરવામાં
આવી હતી. જોકે, NSUIનો દાવો છે કે, ફરિયાદ બાદ માત્ર અડધા કલાક માટે જ કેન્ટીન બંધ રાખવામાં આવી હતી અને ત્યાર બાદ
ફરીથી કેન્ટીન શરૂ કરી દેવાઈ હતી. સંચાલનની આ કામગીરી સામે NSUIએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, માત્ર
દેખાવ પૂરતી જ કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ કેન્ટીનના સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ કરવામાં
આવી છે. આ સમગ્ર વિવાદ થતા જ NSUIના કાર્યકર્તાઓને બહાર કાઢી ગેટ પણ બંધ કરી દેવાયો હતો. જેના કારણે કેટલાક
વિદ્યાર્થીઓને ઘરે જવું હતું પરંતુ ગેટ બંધ કરી દેવાતા તે લોકો અંદર જ ફસાયા હતા. ગુજરાત NSUI સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ વેદાંતસિંગ
તોમરે જણાવ્યું હતું કે, GLS યુનિવર્સિટીમાં છેલ્લા ઘણાં સમયથી વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે વેજના નામે નોનવેજનું વેચાણ
કરવામાં આવે છે. જે વાસણમાં વેજિટેરિયન ખોરાક બનાવવામાં આવે છે તે જ વાસણમાં નોનવેજ પણ બનાવવામાં આવતું હોવાનું
સામે આવ્યું હતું. યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ધર્મ ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આખી કેન્ટીનમાં વેજનું સાઈન રાખીને નોનવેજ
આપવામાં આવે છે. જેથી અમારી માગ છે કે આ પ્રકારે જરાય પણ ચલાવી ન લેવાય જેથી કેન્ટીનને બંધ કરી દેવામાં આવે. અમે
વિદ્યાર્થીઓના ધર્મને ભ્રષ્ટ નહીં થવા દઈએ. અમે ફરિયાદ કરી તો પણ માત્ર અડધો કલાક કેન્ટીન બંધ રાખી ફરી શરૂ કરી દેવામાં આવી
હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *