ગાંધીનગર
ગાંધીનગરના ઝુંડાલ વિસ્તારમાં આવેલી કેપસ્ટોન જુરી સોસાયટીમાં CCTV ફૂટેજ જોવા જેવી સામાન્ય બાબતે રહેવાસીઓ અને
દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું. આ મામલે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ
ફરિયાદ નોંધાવી છે. દુકાનદાર પ્રવિણભાઈ માણેકચંદ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દુકાન પાસે કોઈ શંકાસ્પદ વ્યક્તિ
દેખાતા તેઓ સોસાયટીના સેક્રેટરી પાસે CCTV ફૂટેજ જોવા ગયા હતા. આ સમયે સેક્રેટરીએ “કેમેરા દુકાનદારો માટે નથી” તેમ કહેતા
વિવાદ થયો હતો. આ બાબતની અદાવત રાખી રાત્રિના સમયે કિશન પટેલ અને અન્ય 8-9 માણસોના ટોળાએ દુકાને આવી ગાળો
બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ દુકાન ખાલી કરી દો નહીતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ
કર્યો છે. જ્યારે સામે પક્ષે સચિનભાઈ હિંમતભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે, સવારે સેક્રેટરી સાથે થયેલી માથાકૂટ બાબતે
વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી સોસાયટીના સભ્યો રાત્રે દુકાનદારને સમજાવવા ગયા હતા. આ દરમિયાન દુકાનદાર પ્રવિણ, તેના
ભાઈઓ અને માતાએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી. આક્ષેપ છે કે, પ્રવિણ પ્રજાપતિએ કાચની બોટલ છૂટી મારતા સચિનને કપાળે
વાગ્યું હતું, જ્યારે પ્રવિણની માતાએ બોટલ મારતા અન્ય એક સભ્યને માથામાં 6 ટાંકા આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ
અડાલજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
છે.

