અમદાવાદ,
હાઈકોર્ટે કેસ ડિસમિસ કરી નાખ્યો હોય તેવો બોગસ ઓર્ડર બનાવી જમીન કૌભાંડ કરનારની પોલીસે કરી ધરપકડ
હવે અમુક ભેજાબાજ ઠગાઈ કરવામાં એટલી હદે આગળ વધી ગયા છે કે ગુજરાત હાઈકોર્ટના હુકમની જ બોગસ કોપી બનાવી નાખી છે. આ ઘટના અમદાવાદમાં બની હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી પીટીશન અંગે હાઈકોર્ટે કેસ ડિસમિસ કરી નાખ્યો હોય તેવો બોગસ ઓર્ડર બનાવવામાં આવ્યો અને જમીન કૌભાંડ કરાયું. જોકે અંતે ભાંડો ફુટતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે એક સરકારી અધિકારીની ધરપકડ કરી છે.
આ જમીન કૌભાંડ કરનાર પોલીસ દ્વારા ઝડપાયેલો આરોપી પોતે સરકારી અધિકારી હોવાથી કાયદાથી જાણકાર હતો, તેણે સાથે રહીને કરોડો રૂપિયાની જમીનનો કબ્જે અન્ય આરોપીને અપાવવામાં મદદગારી કરી તેમજ ગુજરાત હાઈકોર્ટના બનાવટી હુકમ બનાવવાનું કૃત્ય કર્યું હતું. હાલ તો સોલા પોલીસે પકડાયેલા આરોપીની વધુ પુછપરછ કરી ફરાર મનસુખ સાદરીયાની શોધખોળ હાથ ધરી છે. તેમજ આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે, તેમજ બનાવટી હુકમ કોણે બનાવ્યો અને સિક્કા ક્યાંથી મળ્યા તે અંગે તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરની સોલા પોલીસ દ્વારા કલોલ પોસ્ટ ઓફિસમાં ઓડિટ વિભાગમાં ઓડિટર તરીકે ફરજ બજાવતા મહેશ પટેલની ઠગાઈના ગુનામાં ધરપકડ કરી છે. હાલમાં જ સોલા પોલીસ સ્ટેશનમાં નારણપુરાના જયેશ પ્રજાપતિ નામનાં વેપારીએ એક ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરિયાદીની છારોડી ઘાટલોડિયા ખાતે આવેલી જમીન બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ થઈ હતી. જેમાં ખેડુતોએ આરોપી મનસુખ સાદરીયાને જમીન પાવર ઓફ એટર્ની કરી આપી હતી અને મહેશ પરમારે સાથે રહીને હાઈકોર્ટમાં પીટીશન ચાલુ હોવા છતાં ડીસમીસ થઈ ગઈ છે તેવુ બોગસ હુકમ બનાવ્યો હતો.
મહેશ પરમારે બનાવેલો હાઈકોર્ટનો બોગસ હુકમ મનસુખ સાદરીયાને આપતા તેણે જમીનનો પાવર ઓફ એટર્નીના આધારે પોતાના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. આરોપી મહેશ પરમારે હાઈકોર્ટનો બોગસ હુકમ હોવાનું જાણવા છતાં સોલાના મહેસુલ ભવનમાં રજૂ કરી સાચા તરીકેનું દર્શાવ્યું હતું. તેમજ હુકમમાં ખોટી સહિઓ કરીને ગુજરાત હાઈકોર્ટના ખોટા સિક્કાઓ મારીને ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર બાબતે સોલા પોલીસને જાણ થતાજ પોલીસે છેતરપીંડીનો ગુનો દાખલ કરી મહેશ પરમારની ધરપકડ કરી આગળ ની તપાસ શરૂ કરી છે.