અમદાવાદ
બાવળા તાલુકામાં કેરાળા ગામમાં અનન્યા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ગત 8 જુલાઈના રોજ એક 14 વર્ષની સગીરાનું તબીબની બેદરકારીના કારણે મોત થયું હતું. જે સમયે સગીરાના સ્વજને એક વીડિયો બનાવીને ડોક્ટરની બેદરકારી અંગે આક્ષેપ કર્યા હતા. જે વીડિયો વાયરલ થતાની સાથે જ અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ કરતા હોસ્પિટલ બોગસ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વધુ તપાસ કરતા તે હોસ્પિટલમાં મેહુલ ચાવડા અને ધર્મેન્દ્ર નામનો વ્યક્તિ પણ દર્દીઓની સારવાર કરતો હોવાનું ખુલ્યુ હતું. જે મામલે કેરાળા જીઆઈડીસીમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સામેલ આરોપીઓને પોલીસથી બચવા માટે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીના ડીવીઆરની ચોરી કરાવી હતી. જે ચોરીમાં સામેલ તેમજ હોસ્પિટલમાં જ બોગસ પુજા પેથોલોજી લેબ ચલાવનાર સહિત 7 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
આ મામલે કેરાલા જીઆઈડીસી પોલીસે સ્મિત રામી, જયેશ ચાવડા, દિનેશ મકવાણા, વિશાલ પરમાર, તરૂણ ગોહિલ, રાજીવ શર્મા અને કિશન ઠાકોર નામનાં આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં સ્મિત રામી આ હોસ્પિટલના મુખ્ય આરોપી મેહુલ ચાવડાનો ભાગીદાર હતો, જ્યારે જયેશ ચાવડા લેબ ટેક્નીશિયનનો કોર્સ કરેલો હોવાનું પોલીસને જણાવે છે, જયેશના સર્ટિફિકેટના આધારે અન્ય આરોપી દિનેશ મકવાણા જે માત્ર ધોરણ 10 પાસે છે તે દર્દીઓના સેમ્પલ લેતો હતો. વિશાલ પરમાર નર્સિંગ અને મેડિકલની કામગીરીમાં મદદ કરતો હતો. અન્ય 3 આરોપીઓ જેમાં તરૂણ ગોહિલ, રાજીવ શર્મા અને કિશન ઠાકોર સીસીટીવીના ડીવીઆરની ચોરી કરી હતી. આરોપીઓએ ચોરી કરી તે સમયે લેબના રિપોર્ટ્સ પણ ચોરી કરી લીધા હતા.
પોતાના કરેલ ગેરકાયદેસર કયાંથી પકડવાની બીકે આરોપીઓએ સીસીટીવીનું ડીવીઆર ચોરી કર્યા બાદ તેને તોડીને અંદરના પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, જોકે પોલીસે આરોપીઓ પાસેથી ડીવીઆર કબ્જે કરી તેને FSL માં મોકલ્યો છે. આ ગુનામાં ઝડપાયેલો જયેશ ચાવડા ફરાર મુખ્ય આરોપી મેહુલ ચાલડાનો ભાઈ છે, તેમજ તરૂણ ગોહિલ મેહુલ ચાવડાનો સાળો છે. આ કેસમાં હજું પણ અનેક આરોપીઓ સામેલ હોય તેમજ હોસ્પિટલ ચલાવનાર તબીબ મનીષા અમરેલિયા, મેહુલ ચાલડા, વિક્રમ કળસરીયા ફરાર હોય તેઓની શોધખોળ હાથ ધરાઈ છે.