નવી દિલ્હી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઇન્ડિયા એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 109 ઊંચી ઉપજ આપતી, આબોહવાને અનુકૂળ અને બાયોફોર્ટિફાઇડ પ્રકારના પાકોની જાતોનું વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત પણ કરી હતી. પાકની આ નવી જાતોના મહત્વ પર ચર્ચા કરતા પ્રધાનમંત્રીએ કૃષિમાં મૂલ્ય સંવર્ધનના મહત્વ પર ભાર મૂક્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ નવી જાતો ખૂબ ફાયદાકારક રહેશે કારણ કે તે તેમના ખર્ચને ઘટાડવામાં મદદ કરશે અને પર્યાવરણ પર પણ સકારાત્મક અસર કરશે.
પ્રધાનમંત્રીએ બાજરીના મહત્વ પર ચર્ચા કરી હતી અને લોકો કેવી રીતે પોષક આહાર તરફ આગળ વધી રહ્યા છે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને સામાન્ય લોકોનો સજીવ ખેતી પ્રત્યેનો વધતો વિશ્વાસ વિશે પણ વાત કરતાં ઉમેર્યું હતું કે, લોકોએ ઓર્ગેનિક ફૂડનું સેવન કરવાનું અને તેની માંગ કરવાનું શરૂ કરી દીધું છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયત્નોની ખેડુતોએ પ્રશંસા કરી હતી.
ખેડૂતોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે) દ્વારા જાગૃતિ લાવવામાં ભજવેલી ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, કેવીકેએ સક્રિયપણે ખેડૂતોને દર મહિને વિકસાવવામાં આવતી નવી જાતોનાં લાભ વિશે જાણકારી આપવી જોઈએ, જેથી તેમનાં લાભો વિશે જાગૃતિ વધે.
પ્રધાનમંત્રીએ પાકની આ નવી જાતોના વિકાસ માટે વૈજ્ઞાનિકોની પણ પ્રશંસા કરી હતી. વૈજ્ઞાનિકોએ માહિતી આપી હતી કે તેઓ વણવપરાયેલા પાકને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા સૂચનને અનુરૂપ કામ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ છોડેલા 61 પાકોની 109 જાતોમાં 34 ખેતરના પાક અને 27 બાગાયતી પાકોનો સમાવેશ થાય છે. ખેતરના પાકોમાં બાજરી, ઘાસચારાના પાક, તેલીબિયાં, કઠોળ, શેરડી, કપાસ, રેસા અને અન્ય સંભવિત પાકો સહિતના વિવિધ અનાજના બીજ છોડવામાં આવ્યા હતા. બાગાયતી પાકોમાં વિવિધ જાતના ફળો, શાકભાજીના પાક, બાગાયતી પાકો, કંદનો પાક, મસાલા, ફૂલો અને ઔષધીય પાકો છોડવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પાકની 109 નવી જાતો રજૂ કરી હતી ત્યારે ટિપ્પણી કરી હતી કે સરકાર દેશના ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આબોહવાને અનુકૂળ અને ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો ખેડૂતોની આવકમાં વધારો કરશે.
પ્રધાનમંત્રીએ ખેડૂતોના કુદરતી ખેતી તરફ સંક્રમણ બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે તેમના અનુભવો પણ સાંભળ્યા અને કુદરતી ખેતીના ફાયદાઓ વિશે વિગતવાર ચર્ચા કરી.