અમદાવાદ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને પેટ્રોલપંપમાં નોકરી કરતા યુવકે મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. મૃતકના કબજામાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તે જ્યાં નોકરી કરતો હતો ત્યાંના સાહેબ રશ્મિત સિંહ અને હાર્દિક પટેલના ત્રાસને કારણે જિંદગી ટૂંકાવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. મૃતક યુવાને પોતાની પત્નીને ન્યાય અપાવવા સુસાઈડ નોટમાં વિનંતી કરી છે. પરિવારજનોએ ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. તો બીજી તરફ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સુસાઈડ નોટને FSL મોકલવા તજવીજ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા કિરીટ પંચાલ નામના યુવકે 18મી નવેમ્બરે સાંજના સમયે મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેન હેઠળ પડતું મૂકી જિંદગી ટૂંકાવી લીધી હતી. ઘટનાના પગલે તપાસ માટે પહોંચેલી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કિરીટ પટેલની આત્મહત્યા બાદ તેના કબજામાંથી જે સુસાઈડ નોટ મળી આવી છે એમાં લખ્યું છે કે,”હું પંચાલ કિરીટ કુમાર હેમરાજભાઈ મરવા જઈ રહ્યો છું. મારા ઘરે દીકરી હોવા છતાં મારે મરવું પડે એમ છે. હું મારા સાહેબના ત્રાસથી મરી રહ્યો છું. મારા સાહેબનું નામ રશ્મિત સિંઘ ગુરુદત્ત છે અને એક બીજા ભાઈ હાર્દિકભાઈ પટેલ છે, જે વાઈડ એંગલના બિલ્ડિંગના છે. જે ભાઈ પૈસા માટે મને રોજ ટોર્ચર કરે છે અને બીજા સાહેબ મારા પર ટોર્ચર કરે છે. મને ઓફિસમાં લઈ જઈને પટ્ટાથી માર પણ માર્યો હતો અને હવે આજે મારી પાસે કોઈ રસ્તો રહ્યો નથી. મારી પત્નીને ન્યાય અપાવવા વિનંતી. આપનો -કિરીટ”
કિરીટ પટેલની આત્મહત્યા મામલે તેના સાળી જાનકી પંચાલે જણાવ્યું હતું કે કાલે જે ઘટના બની હતી એ મારા જીજાજી થાય. કાલે મણિનગરમાં રેલવે સ્ટેશન પર આ ઘટના બની છે. તેમના પેટ્રોલપંપ વાળા તેને માનસિક-શારીરિક ટોર્ચર કરતા હતા. અમારી એટલી જ માગ છે કે આગળની કાર્યવાહી ઝડપી કરી અમને ન્યાય મળે. પેટ્રોલપંપ વાળા છે તે ઘરવાળાને પણ મારવાની ધમકી આપતા હતા એટલે મારા જીજાજીએ અંતિમ પગલું ભર્યું છે. મારા જીજાજીને ઓફિસમાં પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો.
મૃતકના સાળા મહેલુ પંચાલે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારે કોઈ અંતિમસંસ્કાર કરવાની કાર્યવાહી નથી કરવી. વધુમાં જણાવ્યું હતું કે મારા જીજાજીના કંપનીના મેનેજર અમારા ઘરની આસપાસ 3થી 4 વાગ્યાની વચ્ચે આંટાફેરા મારી રહ્યા હતા. મારા જીજાજીએ સુસાઇડ કર્યું એની જાણ અમને 3:48 વાગ્યે થઈ હતી અને કંપનીના મેનેજરને લોકો અમારા ઘર એના પછી આવ્યા હતા. લગભગ 3:57 વાગ્યાની આસપાસ એ લોકો આવ્યા હતા. અને પૈસાની લેતીદેતી બાબતે ફેમિલીને ધમકી આપી હતી.
ખોખરા PI બી. પી. સાવલિયાએ જણાવ્યું હતું કે આપઘાત મામલે હાલ પોલીસે અકસ્માતે મોતનું ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેને FSLમાં મોકલી તપાસ કરવામાં આવશે. તપાસના અંતે પુરાવા મળશે તો જવાબદાર સામે ગુનો નોંધવામાં આવશે.

