જામનગર,
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી મામલે રાત્રીના સમયે એલસીબીના અધિકારીઓ તેમજ ધ્રોલ પોલીસની ટીમ દ્વારા બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં, ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરી લઇ રૂપિયા સાડા તેર લાખની માલમતા કબજે કરી છે, જયારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કરાયા છે.
ઇંગલિશ દારૂ અંગેનો સૌ પ્રથમ દરોડો એલસીબીની ટુકડીએ સોયલ ટોલનાકા પાસે પાડ્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલી એક કારને આંતરીને તેની તલાસી લેતા કારમાંથી 384 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો મળી આવ્યો હતો, તેથી પોલીસે કાર અને દારૂ સહિત રૂપિયા 6,97,000 ની માલમતા કબજે કરી છે, જ્યારે કારની અંદર બેઠેલા જામનગરના અશોક પ્રતાપભાઈ પરમાર તેમજ દીપક દેવજીભાઈ શિયાળની અટકાયત કરી લીધી છે. જે બંનેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ જામનગરના રણજીત સાગર રોડ પર રહેતા સદ્દામ ઉર્ફે મુન્ના બોદુભાઈ સાફિયાએ મંગાવ્યો હોવાથી તેને ફરાર જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ધ્રોલ પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને રૂપિયા 6,66,400 ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. લતીપર તરફથી ધ્રોલ આવતી એક સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ધ્રોલ પોલીસે ગાંધીચોકમાં વોચ ગોઠવી હતી. દરમિયાન એક કાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી, જે તલાસી દરમિયાન કારમાંથી ઇંગ્લિશ દારૂની 324 નંગ બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 6,66,000 ની માલમતા કબજે કરી હતી.
જ્યારે કારની અંદર બેઠેલા જામનગરના સુનિલ જયસુખભાઈ મકવાણાની અટકાયત કરી લીધી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો જામનગરમાં રહેતા સદામ ઉર્ફે મુન્નો બોદુભાઈ સફિયાએ મંગાવ્યો હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

