ગાંધીનગર,
ગુજરાતના યુવક-યુવતીઓ રાજ્યના જુદા-જુદા વિસ્તારોના નૈસર્ગિક દર્શન દ્વારા વન્ય પશુ-પક્ષીઓ, વૃક્ષો, પહાડો, ખડકો, ઝરણા અને કોતરો વગેરેનો પ્રત્યક્ષ પરિચય કેળવી શકે તેમજ તેમનાંમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ ભાવ વિકસે તેવા ઉમદા આશયથી રાજ્યના યુવક-યુવતિઓ માટે ૧૦ દિવસના “વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આગામી સપ્ટેમ્બર-૨૦૨૪ દરમિયાન અનુસૂચિત જાતિના ૧૦૦ યુવાનો માટે ગીર સોમનાથ, અનુસૂચિત જનજાતિના ૧૦૦ યુવાનો માટે પંચમહાલ, જ્યારે જનરલ કેટેગરીના ૧૦૦ યુવક-યુવતીઓ માટે તાપી જિલ્લા ખાતે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે.
આ પ્રવાસમાં જોડાવા ઇચ્છતા યુવક-યુવતીઓની ઉંમર તા. ૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિએ ૧૫ થી ૩૫ વર્ષની હોવી અનિવાર્ય છે. આ કાર્યક્રમમાં જોડવા ઈચ્છુક યુવક-યુવતીઓ પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી તેમાં દર્શાવેલી તમામ વિગતો ભરીને, તેની સાથે શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, વાલીની સંમતિ, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનું પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ વગેરે માહિતી રજૂ કરવાની રહેશે.
અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગીર સોમનાથ, અનુસૂચિત જનજાતિના યુવક-યુવતીઓએ પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-પંચમહાલ તેમજ જનરલ કેટેગરીના યુવક-યુવતીઓએ પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-તાપીને આગામી તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ સુધીમાં મોકલી આપવાની રહેશે.પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા અનુસૂચિત જાતિના ૧૦૦, અનુસૂચિત જનજાતિના ૧૦૦ અને અન્ય ૧૦૦ યુવક-યુવતિઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ યુવક-યુવતિઓને તેઓની પસંદગી અંગે ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતિઓને નિવાસ, ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનું ભાડું તથા કાર્યક્રમમાં ભાગ લેવા બદલ રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. અધુરી વિગતો વાળી અરજી માન્ય રાખવામાં આવશે નહિ.