(જી.એન.એસ) તા. 8 / 8 / 2024
નવી દિલ્હી,
ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે 7 ઓગસ્ટે નવી દિલ્હી ખાતે 10મા નેશનલ હેન્ડલૂમ દિવસનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે હાથવણાટના કારીગરોને રાષ્ટ્રીય અને સંત કબીર એવોર્ડ્સથી ઉપરાષ્ટ્રપતિએ નવાજ્યા હતા. હેન્ડલૂમ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા અને સન્માનિત કરવા માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના બે હાથવણાટ કારીગરોને સંત કબીર એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે.
સંત કબીર એવોર્ડ પ્રાપ્ત કરનારા ગુજરાતના કારીગરો-
1. શ્રી ખારેટ દેવજી ભીમજી
કચ્છ જિલ્લાના ભુજોડીના શ્રી ખારેટ દેવજી ભીમજીને સંત કબીર એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે તેમના પિતા પાસેથી પરંપરાગત વણાટની તકનીકનું કૌશલ્ય શીખ્યું છે. તેઓ છેલ્લા 35 વર્ષથી પરંપરાગત વણકર છે. તેઓ ભુજોડી વણાટના નિષ્ણાત છે. તેઓએ 40 વણકરોને તાલીમ આપી છે. હેન્ડલૂમ્સના વિકાસમાં તેમના અમૂલ્ય યોગદાન માટે તેમને સંત કબીર હેન્ડલૂમ એવોર્ડ મળ્યો છે.
2. શ્રી મગનભાઈ દાનાભાઈ વણકર
ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉના વતની શ્રી મગનભાઈ દાનાભાઈ વણકરને સંત કબીર એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેણે તેમના પિતા પાસેથી ટાંગલિયા વણાટની કુશળતા શીખી છે. તેઓ છેલ્લા 46 વર્ષથી પરંપરાગત વણકર છે. તેઓ એક કુશળ ટાંગલિયા વણકર છે. તેમણે 300 વણકરોને તાલીમ આપી છે. હેન્ડલૂમ્સના વિકાસમાં તેમના અનેરા યોગદાન માટે તેમને સંત કબીર હેન્ડલૂમ એવોર્ડ મળ્યો છે.