તાપી પર નવા બેરેજથી 50 વર્ષ સુધી પાણીની ચિંતાનો અંત

સોશિયલ મીડિયા પર શેર કરો

DPR મંજૂર, 974 કરોડના ખર્ચે એક જ ફેઝમાં બનશે નવો બેરેજ, 80 લાખની વસ્તી માટે જળ-સુરક્ષા કવચ બનશે

સુરત

દક્ષિણ ગુજરાતના લાખો લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી રાહત આપવા માટે ગુજરાત સરકારે તાપી નદી પર નવો ગેટેડ બેરેજ બાંધવાની મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપી દીધી છે. અંદાજે રૂ. 974 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટનો ડીટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તાજેતરમાં મંજૂર થઈ ચૂક્યો છે, અને મેયરના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનું કામ એક જ ફેઝમાં શરૂ કરવામાં આવશે. આ યોજના રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી આકાર લેશે. કુલ ખર્ચના 60 ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવશે, જ્યારે બાકીના 40 ટકા ખર્ચ રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહન કરવામાં આવશે. DPR મંજૂર થતા હવે ટૂંક સમયમાં જ બાંધકામની કામગીરી શરૂ થવાના સંકેતો છે. આ બેરેજનું કામ આશરે ત્રણેક વર્ષ સુધી ચાલશે. તાપી નદી ઉપર હાલ ઊકાઈ ડેમ, કાકરાપાર વિયર અને સિંગણ વિયર આવેલા છે, પરંતુ દરિયાની ભરતીનું પાણી વિયર-કમ-કોઝવે સુધી આવવાથી આજુબાજુના 10 કિલોમીટરના વિસ્તારમાં જમીનમાં ખારાશ ભળી ગઈ છે.

આ યોજનાના કારણે સુરત શહેરને પીવા માટે 19.60 મિલિયન ક્યૂબિક મીટર પાણી ઉપલબ્ધ થશે. આ બેરેજની લંબાઈ 1035 મીટર અને ઊંચાઈ 5 મીટર જેટલી રહેશે. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી 50 વર્ષ સુધીના પાણીની જરૂરિયાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ બેરેજ બનવાથી 50 વર્ષ સુધી પાણીનો સંગ્રહ થઈ શકશે અને આજુબાજુના ગામડાઓના તળ ઊંચા આવશે, જેનાથી ખારાશવાળા પાણી મીઠા થશે. સુરતની વસ્તીમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં વસ્તી 40 લાખથી વધીને 80 લાખ થઈ ગઈ છે. 28 સ્ટેટના લોકો સુરતને કર્મભૂમિ બનાવી ચૂક્યા છે, ત્યારે વસ્તી વધારાને ધ્યાને રાખીને આ યોજના સુરતને 50 વર્ષનું આયોજન કરનારી દેશની પહેલી મહાનગરપાલિકા બનાવશે. આ બેરેજ યોજનાના ભાગરૂપે રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા તાપી નદીના જમણે કાંઠે અંદાજે રૂ. 120 કરોડના ખર્ચે લિફ્ટ ઈરિગેશનનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો છે. આનાથી ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના 15 ગામોની 2365 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *