ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ
રાજકુમાર અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં નવો વળાંક આવ્યો છે. 11મી ડિસેમ્બરે ગણેશ ગોંડલના
નાર્કો ટેસ્ટની કામગીરી પૂર્ણ કરાયા બાદ આજે તપાસ અધિકારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો,
જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર માર્યાનો કે કાવતરું રચ્યાની વાતનો ઈનકાર કરવામાં આવ્યો છે. નાર્કો ટેસ્ટ માટે ગણેશને
31 સવાલ પૂછવામાં આવ્યા હતા. હાઈકોર્ટેમાં આ કેસની વધુ સુનાવણી આગામી 15મી જાન્યુઆરીએ યોજાશે.
આજે સુરેન્દ્રનગર પોલીસે કરેલી તપાસનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો હતો, જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે SP અને અન્ય
અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટેક્નિકલ વસ્તુઓ ઉપર તપાસ કરાઈ છે, જેમાં CDR અને નાર્કો એનાલિસિસ,
સાહેદોનાં નિવેદન વગેરેનો સમાવેશ થાય છે. નાર્કો એનાલિસિસ ટેસ્ટનો રિપોર્ટ ફરિયાદીના સમર્થનમાં નથી. નવી ટીમે તપાસ પૂર્ણ
કરી દીધી છે. યોગ્ય કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરાશે, એટલે કે ટ્રાયલ કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરવામાં આવશે. ત્રણ બાબતમાં તપાસ

કરવાની હતી, જેમાં એક મૃતક ખોવાયેલાની ફરિયાદ પર, એક NC કમ્પ્લેન્ટ પર અને એક અકસ્માત મૃત્યુની ફરિયાદ પર. તપાસ
અધિકારીએ 05 બાબત ધ્યાનમાં રાખી તપાસ કરી છે.
અરજદારના વકીલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ફેરતપાસના રિપોર્ટ માગ્યા હતા. સરકારી વકીલે જણાવ્યું હતું કે ચાર્જશીટ અને રિપોર્ટ
ટ્રાયલ કોર્ટ સમક્ષ ફાઇલ કરવાના છે. આ અકસ્માતનો કેસ છે, ચાર્જશીટ સાથે બધું ફાઇલ કરવામાં આવશે. મૃતકના પિતાને તમામ
કાગળિયા અપાશે. તપાસના રેકોર્ડના કાગળિયા વધારે હોવાથી અત્યારે કોર્ટ સમક્ષ મૂકી શકાયા નથી. 11 ઇસમનાં નામ જાણવાજોગ
ગોંડલ પોલીસ મથકે નોંધાયેલી અરજીમાં સામે આવ્યાં છે, જેમાં પૂર્વ ધારાસભ્ય સાથે મારામારીની વાત છે. ગણેશ ગોંડલ નાર્કો
ટેસ્ટમાં 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કોઈને માર માર્યો હોવાનું કે કાવતરું કર્યું હોવાનો તેણે ટેસ્ટમાં ઇનકાર કર્યો છે. NC,
ખોવાવાના અને અકસ્માતની ચાર્જશીટ ટ્રાયલ કોર્ટમાં ફાઇલ કરાશે. ફરિયાદીને રિપોર્ટ આપવામાં અપાશે.
અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મૃતકના ગુદામાં અકસ્માતમાં ઇજા કેવી રીતે થાય ? તે 52 કિલોમીટર કેવી રીતે ચાલે ?
સરકારી વકીલે જણાવ્યું હતું કે તે 22 CCTV ફૂટેજમાં એકલો દેખાય છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે તો એ કેવી રીતે CCTVમાં
તે અમુકમાં કપડાં પહેરેલો અને અમુકમાં નગ્ન દેખાય છે ? સરકારી વકીલે કહ્યું હતું કે તેને કપડાં કોને આપ્યાં એની પણ તપાસ થશે.
અરજદારના વકીલે નાર્કો એનાલિસિસ ટેસ્ટ પર પ્રશ્નો સર્જ્યા કે સામે ચાલીને આરોપી કેમ ટેસ્ટ માટે તૈયાર થયા ? આરોપીને
લિમિટેડ પ્રશ્નો પુછાયા હતા. આઠ દિવસ બાદ મૃતકની બોડી કેવી રીતે મળી ?કેટલીય ખૂટતી કડીઓના જવાબ મેળવવાના બાકી છે.
આ અંગે અરજદાર રિપોર્ટ મેળવીને એેનો અભ્યાસ કરશે. આ કેસમાં વધુ સુનવણી 15 જાન્યુઆરીએ રાખવામાં આવી છે.
5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતીઃ ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ
MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ
જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ
મળ્યો હતો. આ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. એને પગલે હવે ગણેશ
ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો. આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL) ખાતે લાવીને 9 ડિસેમ્બરથી તેની મેડિકલ પ્રોસેસ શરૂ થઈ અને આજે 11 ડિસેમેબરના નાર્કો ટેસ્ટ
પૂર્ણ કરાયો હતો.
મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાઉંભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી
(જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતાં 5 માર્ચના રોજ
પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.
પિતાએ પોલીસમાં અરજી કરતાં શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં.
મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન
વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
અગાઉ હાઇકોર્ટે આ કેસમાં ઘટનાના CCTV જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. અરજદારે કહ્યું હતું કે
24 વર્ષના યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 42 ઈજા સામે આવી છે. તેને
લોખંડના સળિયા માર્યા છે અને ગુદામાં અંદર સળિયો નાખ્યો હોવાનું ઇજાનો રિપોર્ટ છે. અકસ્માત મૃત્યુમાં આવી ઇજાઓ જોવા
મળી શકે નહીં, જેથી આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપરથી નગ્ન હાલતમાં મૃતકની
ડેડબોડી મળી હતી, જેને અકસ્માતમાં ખપાવાઈ રહ્યું છે. પોલીસ કહે છે કે આ કેસ હત્યાનો નહીં, પરંતુ આકસ્મિક મૃત્યુનો છે. સંપૂર્ણ
પોસ્ટમોર્ટમ રિપોર્ટ કોર્ટ સમક્ષ અરજદારના વકીલે વર્ણવ્યો હતો. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે મૃતકના હાથ અને પગ ઉપર
ચકામાંનાં નિશાન જોવા મળ્યાં છે, જે અકસ્માતથી થાય નહીં, તેને માર મરાયો હોવાનો આ પુરાવો છે. સરકારી વકીલે કહ્યું હતું કે
પોલીસ તપાસ અનુસાર આકસ્મિક મૃત્યુનો કેસ છે. બસના ડ્રાઇવરથી અકસ્માત થયા બાદ તેને એક વ્યક્તિને ફોન કર્યો હતો કે તેનાથી
અકસ્માત થયો છે, જેનો વોઇસ સ્પેક્ટોગ્રાફી રિપોર્ટ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે અરજદારના વકીલે કહ્યું હતું કે

આરોપીઓએ પહેલા રાજકુમાર જાટની હત્યા કરી નાખી, ત્યાર બાદ તેને અકસ્માત મૃત્યુમાં ખપાવવા આખી સ્ટોરી ઊભી કરવામાં
આવી છે.
ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામના 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થતાં તેમનાં પરિવારજનો દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય
જયરાજસિંહ અને તેમનાં પરિવારજનો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જે-તે સમયે આ મામલે રાજકોટના કુવાડવા પોલીસ
સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો, પરંતુ યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ
હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહ અને તેનો પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે, પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે, જેથી આ
ફરિયાદની વધુ તપાસ CBIને સોંપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં
સુનાવણી યોજાઈ હતી. હાઇકોર્ટના છેલ્લા હુકમ મુજબ કેસની તપાસ રાજકોટ જિલ્લા બહારના અધિકારીને સોંપવા સંદર્ભે સરકારી
વકીલે SP સુરેન્દ્રનગર પ્રેમસુખ ડેલુ અને DySP જે.ડી.પુરોહિતનાં નામ હાઇકોર્ટ સમક્ષ આપ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *