મહેસાણા
વિજાપુરના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વિજાપુર નગરપાલિકાને ‘ક’વર્ગમાંથી અપગ્રેડ કરી
‘અ’ વર્ગનો દરજ્જો આપવા માટે ખાસ કિસ્સામાં રજૂઆત કરી છે.તાજેતરમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા
મુજબ વિજાપુર પાલિકાની હદમાં ઓ.જી. વિસ્તારનો સમાવેશ થતા ભૌગોલિક વિસ્તાર અને વસ્તીમાં મોટો વધારો થયો છે, જેને
ધ્યાને રાખી આ માગણી કરવામાં આવી છે. ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું છે કે, નવા વિસ્તારોના સમાવેશ બાદ વિજાપુરની
વસ્તીમાં આશરે 40 હજાર જેટલો વધારો થયો છે. પાલિકાની હદ વિસ્તરતા હવે જૂના અને નવા વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે
અને પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે વધુ ગ્રાન્ટની જરૂરિયાત ઊભી થઈ છે. પડોશમાં આવેલી વડનગર અને માણસા
નગરપાલિકાની જેમ વિજાપુરને પણ ‘અ’ વર્ગમાં સમાવવામાં આવે તો શહેરનો વિકાસ વેગીલો બની શકે તેમ છે. વધુમાં જણાવ્યું કે
ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે વિજાપુર શહેરે ધાર્મિક રીતે અત્યંત મહત્વનું કેન્દ્ર છે. અહીં જૈન ધર્મના પ્રખર મુનિ બુદ્ધિસાગર મહારાજ
સાહેબનું જન્મસ્થાન છે. આ ઉપરાંત નજીકમાં મહુડી, આગલોડ, લાડોલ હરસિદ્ધિ માતાજીનું મંદિર અને આસોડાનું પૌરાણિક શિવ
મંદિર જેવા અનેક યાત્રાધામો આવેલા છે. દરરોજ ગુજરાત સહિત મુંબઈ અને પુણે જેવા શહેરોમાંથી હજારો શ્રદ્ધાળુઓ આ માર્ગ
પરથી પસાર થાય છે. પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે શહેરના માળખાગત વિકાસની તાતી જરૂરિયાત છે. ગાંધીનગરનું
સેટેલાઇટ ટાઉન બનવાની ક્ષમતા ગાંધીનગર પાટનગરની નજીક હોવાથી વિજાપુરનો દૈનિક વ્યવહાર પાટનગર સાથે જોડાયેલો છે.
ભવિષ્યમાં જો ગાંધીનગરના સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવે તો તેમાં વિજાપુર અગ્રેસર રહી શકે તેમ છે. આ તમામ પાસાઓ
અને વિજાપુરના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને રાખીને ડો. સી.જે. ચાવડાએ વિજાપુર નગરપાલિકાને સ્પેશિયલ કેસમાં ‘અ’ વર્ગનો
દરજ્જો આપવા મુખ્યમંત્રીને ભલામણ કરી છે.
વિજાપુરને ‘અ’ વર્ગનો દરજ્જો આપવા ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત

