અમદાવાદ,
‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અભિયાનની ઉજવણીને અનુલક્ષી અમદાવાદ સ્વસ્તિક ચાર રસ્તા ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાહદારીઓને, બસમાં સવાર નાગરિકો, તેમજ કાર કે ટુ- વ્હીલર પર સવાર નાગરિકોને તિરંગાનું વિતરણ કરાયું હતું.
તિરંગા વિતરણ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને અનુસરીને કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ લોકોએ તિરંગામય બની છેલ્લા બે વર્ષથી ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરી છે.
આ વર્ષે પણ શાળાઓ, વિવિધ વિભાગની સંસ્થાઓ તેમજ ગુજરાતના 14 હજારથી વધુ ગામડાઓમાં તિરંગાયાત્રામાં જોડાવાના છે, સાથેજ ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતના શહેરોમાં નગરોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, 13મી ઓગસ્ટ 2024ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મળીને અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજશે.
અત્રે ઉલલેખનીય છે કે, ભારતનો રાષ્ટ્રધ્વજ દેશવાસીઓ માટે આન-બાન-શાન છે. આ રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજ્ય સરકાર દ્વારા તા. 8 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.
‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત આગામી તારીખ 11 ઓગસ્ટ, 2024ના રોજ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રપટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત તારીખ 13 થી 15 ઓગસ્ટ, 2024 દરમિયાન રાજ્યના તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગ અને વેપારી ગૃહો, ધાર્મિક અને આઇકોનિક તથા ટૂરિસ્ટ પ્લેસ, સરકારી અને અર્ધસરકારી ખાનગી કચેરીઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે તેમજ તમામ ઝોનના ડીસીપી તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.