(જી.એન.એસ) તા. 8
નવી દિલ્હી,
ભારતના વિદેશ પ્રધાન (ઇએએમ) ડો. એસ. જયશંકરે 16થી 17 જુલાઈ, 2024 દરમિયાન મોરેશિયસ પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત લીધી હતી.
તેમની મુલાકાત દરમિયાન, ઇએએમએ નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (એનસીજીજી) ખાતે મોરેશિયસ સિવિલ સર્વિસ ઓફિસર્સ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો યોજવાની શક્યતાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને અનુસરીને, 6 ઓગસ્ટ, 2024ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રિવેન્સ (ડીએઆરપીજી) અને રિપબ્લિક ઓફ મોરેશિયસના જાહેર સેવા મંત્રાલય વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી.
ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ડીએઆરપીજીનાં સચિવ શ્રી વી. શ્રીનિવાસે કર્યું હતું અને મોરેશિયસનાં પ્રતિનિધિમંડળનું નેતૃત્વ જાહેર સેવાનાં સચિવ શ્રી કે. કોન્હયેએ કર્યું હતું. બંને પક્ષના વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો અને કર્મચારી વ્યવસ્થાપન અને શાસનમાં સહકારને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બેઠક દરમિયાન, એનસીજીમાં મોરેશિયસ સિવિલ સર્વિસ અધિકારીઓ માટે કર્મચારી વહીવટ, શાસન અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમોમાં સહયોગની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી. સહયોગના ક્ષેત્રોમાં સુશાસનની પદ્ધતિઓની વહેંચણી, કર્મચારી વ્યવસ્થાપન અને શાસનમાં માહિતીનું આદાનપ્રદાન અને મોરેશિયસ સિવિલ સર્વિસ અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું આયોજન સામેલ છે.
ભારતીય પક્ષે CPGRAMS સુધારા, નેશનલ ઇ-સર્વિસીસ ડિલિવરી એસેસમેન્ટનો ઉપયોગ કરીને ઇ-સેવાઓનાં બેન્ચમાર્કિંગ, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રીનાં પુરસ્કારો મારફતે મેરિટોક્રેસીને માન્યતા આપવા, સંસ્થાઓમાં ડિજિટલ પરિવર્તન અને નાગરિકોનાં ડિજિટલ સશક્તીકરણ જેવી વિવિધ પહેલો મારફતે “મહત્તમ શાસન – લઘુતમ સરકાર”ની નીતિનાં અમલીકરણમાં ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલી હરણફાળ પ્રદર્શિત કરી હતી.
ચર્ચાવિચારણામાં મોરેશિયસ સનદી સેવાની ક્ષમતા નિર્માણની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય સનદી અધિકારીઓ માટે ભારતની સૌથી મોટી ક્ષમતા નિર્માણ સંસ્થાઓમાંની એક તરીકે એનસીજીજીની ક્ષમતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મોરેશિયસ પક્ષે CPGRAMS મારફતે ફરિયાદ નિવારણમાં એઆઇ/એમએલનો ઉપયોગ કરવામાં રસ દાખવ્યો હતો.
મોરેશિયસથી વરિષ્ઠ સ્તરનું એક પ્રતિનિધિમંડળ સપ્ટેમ્બર, 2024માં ભારતની મુલાકાત લેશે, જેથી આ સહયોગને આગળ વધારી શકાય.