IMF દ્વારા કરવામાં આવી ગંભીર આગાહી: અમેરિકાના ટેરિફ ના કારણે દુનિયાના અર્થતંત્રમાં મંદી જોવા મળશે

સોશિયલ મીડિયા પર શેર કરો

વોશિંગ્ટન,

બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા અને ફેરફારો પણ કર્યા હતા જેમાં અલગ અલગ દેશો પર ટેરિફ લાદવામાં આવતાં તેના પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિનો વરતારો ખરાબ જણાય છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ-આઇએમએફ- દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું. આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિનો દર જાન્યુઆરીમાં ૩.૩ ટકાની આગાહીની સરખામણીમાં 2.8 ટકા જ થવાની ધારણાં છે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે છેડેલી ટેરિફ વોરને કારણે અમેરિકાના અર્થતંત્રની આર્થિક વૃદ્ધિ અગાઉ 2.7 ટકા ધારવામાં આવી હતી તે હવે ઘટીને 1.8 ટકા જ થવાની અપેક્ષા છે. આઇએમએફના  માનવા પ્રમાણે યુએસના અર્થતંત્રમાં મંદી સર્જાવાની શક્યતા નથી પણ આ વર્ષે મંદી સર્જાવાની ટકાવારી 25 ટકા હતી તે વધીને 37ટકા થઇ છે. જે.પી. મોર્ગનના અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર યુએસમાં મંદી થવાની શકયતા 60 ટકા છે. ફેડરલ રિઝર્વ દ્વારા પણ આ વર્ષે યુએસના અર્થતંત્રની વૃદ્ધિ 1.7 ટકા રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. 

આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરી ઓલિવરે જણાવ્યું હતું કે આપણે એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ. છેલ્લા 80 વર્ષથી ચાલી રહેલી ગ્લોબલ ઇકોનોમિક સિસ્ટમને ફરી સેટ કરવામાં આવી રહી છે. આઇએમએફ એ ૧૯૧ સભ્ય દેશો ધરાવતું સંગઠન છે જે આર્થિક વૃદ્ધિ  અને નાણાંકીય સ્થિરતાને ઉત્તેજન આપે છે અને દુનિયામાં ગરીબી નાબૂદ કરવા મથે છે. 

આઇએમએફ દ્વારા આ આગાહી ટ્રમ્પ દ્વારા ચોથી એપ્રિલે 60 દેશો પર દસ ટકા ડયુટી લાદવાની જાહેરાત બાદ કરાઇ હતી. આ ડયુટિને નવ એપ્રિલે ૯૦ દિવસ માટે સ્થગિત કરાઇ હતી. ઓલિવરે જણાવ્યું હતું કે આ સ્થગિતિને કારણે આઇએમએફની આગાહી પર કોઇ અસર નહીં પડે કેમ કે એ પછી યુએસ અને ચીને સામસામે ટેરિફ લાદવાની જાહેરાતો કરી દીધી છે. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે શું કરશે તે બાબતે અનિશ્ચિતતા પ્રવર્તતી હોઇ તેની યુએસ અને દુનિયાના અર્થતંત્ર પર મોટી અસર પડશે. વેપાર નીતિઓ કેવી રીતે ઘડાય છે તેના આધારે કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ અને વિસ્તરણના નિર્ણયો લેતી હોઇ આ અનિશ્ચિતતાને કારણે વૃદ્ધિ ધીમી પડશે. યુએસ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા હોઇ ચીનનો વૃદ્ધિ દર પણ આ વર્ષે  ઘટીને ચાર ટકા થવાની સંભાવના છે. જે અગાઉ કરતાં દોઢ ટકા ઓછો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *