વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાડવા હરિયાણા સરકારનો મોટો અને મહત્વનો નિર્ણય
ચંદીગઢ,હરિયાણા સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક નવો અને મોટો નિર્ણય લીધો છે જેમાં વિધ્યાર્થીઓ સવારે ‘ગુડ મોર્નિંગ’ની જગ્યાએ ‘જય હિંદ’ બોલવું પડશે. આ નિર્ણય 15મી ઓગસ્ટ, 2024થી અમલમાં આવશે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાડવાનો છે. આ નિર્ણય બાબતે હરિયાણા સરકારનું કહેવું છે કે, ‘જય હિંદ’નો નારો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તે દેશભક્તિનું પ્રતીક છે. સરકારનું માનવું છે કે શાળાઓમાં આ નારાનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના વધશે અને તેઓ દેશની આઝાદી માટે લડનારા શહીદોને યાદ કરશે. બીજી તરફ કેટલાક લોકો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય રાજકીય હેતુઓથી પ્રેરિત છે અને તેનાથી શિક્ષણમાં રાજકારણનો પ્રવેશ થશે. તેમનું માનવું છે કે દેશભક્તિને ફક્ત એક નારાથી જગાડી શકાતી નથી અને શિક્ષણમાં દેશભક્તિને પ્રોત્સાહન આપવા માટે બીજા પણ ઘણા રસ્તા છે.