ગાંધીનગર,
ગુજરાત ATSએ ગાંધીનગર પાસેથી ગત રવિવારે (9 નવેમ્બર) ડૉ. અહમદ સૈયદ, આઝાદ શેખ અને મોહમ્મદ સુહૈલ સલીમ ખાન નામના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે.
આ કેસના મુખ્ય આરોપીઓમાંના એક, હૈદરાબાદના આતંકી અહેમદ સૈયદના રાજેન્દ્રનગર સ્થિત ઘરેથી તપાસ એજન્સીઓને ઝેરી કેમિકલનો જથ્થો મળી આવ્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ ઝેરી કેમિકલ 4 નવેમ્બરના રોજ બનાવવામાં આવ્યું હતું. આ કેમિકલની હાજરીથી આતંકીઓના નાપાક ઈરાદાઓ સ્પષ્ટ થાય છે, જેઓ કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે અને દેશમાં અંધાધૂંધી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ગુજરાત ATS, હૈદરાબાદ પોલીસ, યુપી અને રાજસ્થાનની ટીમો દ્વારા આ સમગ્ર મામલે સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આતંકીઓએ આ ઝેરી કેમિકલ એરંડાના ભૂસામાંથી પ્રોસેસ કરીને બનાવ્યું હતું. આ પદ્ધતિ દર્શાવે છે કે આ આતંકીઓ માત્ર કટ્ટરવાદી વિચારધારા જ નહીં, પરંતુ કેમિકલની બનાવટનું જ્ઞાન પણ ધરાવતા હતા. તપાસ એજન્સીઓ હવે આ કેમિકલનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થવાનો હતો, તેમજ તેના સંભવિત લક્ષ્યો શું હતા, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ગુજરાત ATS દ્વારા પકડાયેલા આ ત્રણેય આતંકીઓ કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે અને તેઓ કોઈ મોટા આતંકી સંગઠનના ઈશારે કામ કરી રહ્યા હોવાની શક્યતા છે. હૈદરાબાદ, યુપી અને રાજસ્થાનની ટીમોનું સંયુક્ત રીતે તપાસમાં જોડાણ થવું એ દર્શાવે છે કે આ આતંકી નેટવર્કના તાર અનેક રાજ્યોમાં ફેલાયેલા છે. એરંડાના ભૂસામાંથી પ્રોસેસ કરીને ઝેરી કેમિકલ બનાવવાની પદ્ધતિની તપાસ બાદ હવે એજન્સીઓ આ નેટવર્કના અન્ય સભ્યોને ઝડપી પાડવા અને તેમના દ્વારા કરવામાં આવેલી તમામ ગતિવિધિઓને ઉજાગર કરવા માટે પ્રયત્નશીલ છે.
ગુજરાત ATSએ દાવો કર્યો કે, ત્રણેય આતંકવાદીઓની એક વર્ષથી વધુ સમયથી દેખરેખ કરાઈ રહી હતી. તેમનું લોકેશન સતત ટ્રેસ કરાઈ રહ્યું હતું અને તેની દરેક હરકતો પર નજર હતી. આ ત્રણેય ISISના ખતરનાક વિંગ ISKP (ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ)થી જોડાયેલા બે અલગ અલગ મોડ્યુલનો ભાગ ગણાય રહ્યા છે. ATSને જાણકારી મળી હતી કે, હથિયારો પાકિસ્તાનથી ડ્રોન મારફતે રાજસ્થાન બોર્ડર પર મોકલવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં ડૉ. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો, ચીનમાં તબીબી અભ્યાસ કરનાર સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક છે, તે સાયનાઇડથી ખતરનાક ઝેર રાયસિન બનાવી રહ્યો હતો. અધિકારીઓના અનુસાર, આ પદાર્થ સાયનાઇડથી વધુ ઘાતક છે. તેની થોડી માત્રા પણ મોટા પ્રમાણમાં જાનહાનિ કરી શકે છે. આ મોડ્યૂલ આ લિક્વિડનો ઉપયોગ કયા પ્રકારે કરવાનો હતો તેની તપાસ ચાલી રહી છે.

