અમદાવાદ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ATSએ જાસૂસી કરતા બે આરોપીની ધરપકડ કરી છે. ગોવાથી રશ્મિન રવીન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એ.કે. સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી છે. બંને આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતાં અને ISIS માટે કામ કરતા હતા. તેઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતાં હતાં. હાલ ATSએ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ છેલ્લા 4 મહિનામાં 7 લોકોને દેશવિરોધી પ્રવૃત્તિ કરતાં ઝડપી લીધા છે, જેમાં 7 નવેમ્બર, 2025એ અમદાવાદની રેકી કરનાર 3 આતંકવાદી આઝાદ શેખ, ડૉ. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ જીલાની અને મોહમ્મદ સુહેલ તથા 4 મહિના પહેલાં અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતની અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું.
આરોપી એ.કે. સિંહ આર્મીમાં સુબેદાર હતો. એ.કે. સિંહ પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં મદદ કરતો હતો. ગુજરાત ATSને માહિતી મળેલી કે ‘પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીઓ સોશિયલ મીડિયા, મેસેજિંગ એપ્લિકેશન અને ખોટી ઓનલાઈન ઓળખ દ્વારા ભારતીય પુરુષો અને મહીલાઓ તેમજ સુરક્ષા સાથે સંકળાયેલા માણસોને આર્થિક મદદના બદલામાં ગુપ્ત અને સંવેદનશીલ માહીતી મેળવી લે છે. તેમજ આર્થિક લેવડ દેવડ માટે ઉપયોગ કરી દેશ વિરોધી કૃત્યને અંજામ આપવાનું કાવતરુ રચ્યું છે.
આ માહિતીના આધારે ATS ગુજરાતની ટીમે પોલીસ અને કેન્દ્રીય એજન્સીની મદદથી તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે, પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીઓ ‘અંકિતા શર્મા’ નામ ધારણ કરી નિવૃત્ત આર્મી સુબેદાર એવા ગોવાના અજયકુમાર સુરેન્દ્રસિંહ સાથે તેમના દીમાપુર(નાગાલેન્ડ) પોસ્ટીંગ સમયે વર્ષ 2022માં સંપર્કમાં આવ્યા. જે બાદ PIO(પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર) અજયકુમાર પાસેથી આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મૂવમેન્ટ વગેરે માહિતી માગવામાં આવતી હતી. જેથી અજયસિંહે અધિકારીઓની બદલી અને જુદી જુદી યુનિટોની મુવમેન્ટ વગેરેની માહિતી શેર કરી હતી. આ ઉપરાંત PIO એ અજયકુમારના મોબાઈલમાં ટ્રોઝન માલવેર ફાઇલ મોકલી સેવ કરી ઇન્સ્ટોલ કરવા જણાવ્યું, જેથી વોટ્સએપ મારફતે તમામ સંવેદનશીલ માહિતી મોકલવાની જરૂર ન પડે અને PIO તેનો ડાયરેક્ટ એક્સેસ કરી શકે. આ કેસમાં વધુ તપાસ દરમ્યાન દમણ ખાતે રહેતા રાશમની રવિન્દ્ર પાલનું નામ સામેલ હોવાનું ધ્યાને આવ્યું. જેથી રાશમનીની પ્રાથમિક પુછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે પાકિસ્તાની હેન્ડલરો માટે તે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે કામ કરતી હતી. PIO “અબ્દુલ સત્તાર” અને “ખાલીદ- દ્વારા રાશમનીને નાણાંકીય લાભના બદલામાં “પ્રિયા ઠાકર- નામની ખોટી ઓળખ બનાવીને જે ભારતીય આર્મીના જવાનોની માહિતી સત્તાર અને ખાલીદ શેર કરે તેઓની સાથે મિત્રતા કરવા અને તેનાથી આર્મીની ખાનગી માહિતી મેળવવાની સુચના અપાઈ હતી. જે માટે સમયાંતરે તેને ઘણા બધા મોબાઈલ નંબરોનુ લિસ્ટ આપવામાં આવ્યું હતું. જે પૈકી તેણીએ સેનાની ગુપ્ત માહિતી માટે અમુક લોકોને ફસાવવાની કામગીરી કરી હતી.
આ ઉપરાંત હેન્ડલરોએ રાશમનીને આર્મીની અમુક યુનિટ્સની યુધ્ધ અભ્યાસ અને મુવમેન્ટ અંગે ખાસ તપાસ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાશમની સત્તારના પાકિસ્તાની નંબર(+92) સાથે સીધા સંપર્કમાં હતી. આ સાથે રાશમનીએ વિવિધ નાણાકિય વ્યવહારો દ્વારા રૂપિયા મેળવવા એરટેલ પેમેન્ટ બેન્કમાં નવું ખાતુ ખોલાવ્યું હતું. આ માહિતી અંગેની વિગતો, આંતરરાષ્ટ્રીય નંબરોથી વોટસએપ કોલ અને દસ્તાવેજો તથા નાણાકીય વ્યવહારોની વિગતો તથા આ શખ્સોના મોબાઈલમાંથી મળી આવેલી છે. આ સાથે PIOની IP એડ્રેસની ચકાસણી કરતા “અકિતા શર્મા ઉર્ફે રાધિકા મુલતાન અને સરગોધા, પાકિસ્તાન ખાતેથી -અબ્દુલ સત્તાર(લાહોર) અને ખાલીદ VPN અને મલેશિયન નંબરનો ઉપયોગ કરી પાકિસ્તાન ખાતેથી ઓપરેટ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. રાશમની રવિન્દ્ર પાલ અને અજયસિંહ સામે કલમ 61 તથા 148 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ષડયંત્રમાં સંડોવાયેલા અન્ય શખ્સો વિરુદ્ધ વધુ તપાસ ચાલી રહી છે.
7 નવેમ્બર, 2025ને શુક્રવારે સવારે ગુજરાત ATS પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખસ ગુજરાત આવ્યો છે. એના પછી ATSની ટીમે બાતમીને વેરિફાઇ કરી અને ટેક્નિકલ એનાલિસિસ કરીને તેની મૂવમેન્ટ ચેક કરી. સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલા તો કોઇ ખાસ સફળતા ન મળી, પણ રાત્રે 9 વાગ્યા આસપાસ અહેમદ મોહ્યુદ્દીનની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળી, જેથી ATSની ટીમે તેને ઝડપી લેવાનો પ્લાન બનાવ્યો હતો.

