નડિયાદ,
નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘એટ હૉમ’ સમારોહ દરમ્યાન પ્રબુદ્ધ નાગરિકો સાથે મુલાકાત કરી શુભેચ્છાઓની આપ-લે કરી હતી.
નડિયાદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત ‘એટ હૉમ’ કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું પોલીસ બેન્ડના ડ્રમ રોલની સુરાવલી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તેમને આવકાર્યા હતા. બાદમાં રાષ્ટ્રગીતનું ગાન થયું હતું. એસ.એન.વી ઇન્ટરનેશનલ શાળાના વિધાર્થીઓએ દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરી હતી. રાજ્યપાલશ્રી અને મુખ્ય મંત્રીશ્રી અરેરાના ૧૦૨ વર્ષના સ્વાતંત્ર્ય સેનાની શ્રી કેસરીસિંહ પરમારને તેમની પાસે જઈ મળ્યા હતા અને ક્ષેમકુશળ પૂછ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આપણે આપણા કર્તવ્યોનું પાલન કરીશું તો જ રાષ્ટ્ર મહાન બનશે. પ્રત્યેક ક્ષણ આપણે જે જવાબદારી સંભાળી રહ્યા છીએ તેને ઈમાનદારીથી પૂર્ણ કરીશું તો જ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના લક્ષ્યને સિદ્ધ કરી શકીશું.
તેમણે વધુમાં જણાવ્યું કે, અનેક યોદ્ધાઓના લોહીની આહુતિ બાદ મહામૂલી આઝાદી મળી છે, ત્યારે ભવિષ્યની પેઢીને તેને ઉત્તમ રીતે જાળવીને આપવાની જવાબદારી આપણા સૌની છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નગર શ્રેષ્ઠિઓને આહવાન કરતાં જણાવ્યું કે, આપણે આપણું કર્મ સારી રીતે કરતાં રહીશું તો પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપી શકીશું. નડિયાદની બળુકી ધરાના મહાત્મ્યનું વર્ણન કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડા જિલ્લા સહિત સમગ્ર ચરોતર અગ્રદૂત હતો. આ ભૂમિએ સાક્ષરો, સંતો અને સ્વાતંત્ર વીરોની મહામૂલી ભેટ દેશને આપી છે. સમગ્ર દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે, તો રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા કર્મવીરો આ માટીમાંથી મળ્યા છે તેમ જણાવી તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓનું પૂણ્ય સ્મરણ કર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાન થકી જળ-વાયુ પરિવર્તન જેવી પર્યાવરણીય સમસ્યાનો સામનો કરી શકાશે તેમ કહી તેમણે નાગરિકોને મહત્તમ વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું. રાસાયણિક ખાતરોના દુષ્પ્રભાવથી ખાદ્ય પદાર્થો ઝેરી બની રહ્યા હોવાની ચિંતા વ્યકત કરતાં રાજ્યપાલશ્રીએ આ સમસ્યાનો સામનો કરવા માટે પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર વિકલ્પ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. આ બાબતને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય અભિયાન બનાવી બજેટમાં પ્રાકૃતિક કૃષિને મહત્વ આપ્યું છે તેની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વશ્રી પંકજભાઈ દેસાઈ, રાજેશ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહિડા, નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ, પ્રભારી સચિવ શ્રી આર .સી. મીના, વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.વસાવા અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.