સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગી

સોશિયલ મીડિયા પર શેર કરો

સુરત
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આજે સવારે 7 વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબૂમાં
આવ્યા બાદ ફરી લાગતાં વેપારીઓમાં દોડધામ મચી છે. ટેક્સટાઈલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા
માળ સુધી ફેલાઈ હતી. એેના કારણે ફાયરબ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. 11 વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવી કૂલિંગની
કામગીરી ચાલી રહી હતી ત્યારે જ બે દુકાનમાં ફરી આગ ચાલુ થતાં ફાયરે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગને
કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન 3 ફાયર જવાનોને ગૂંગળામણ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક માર્શલ પણ
ઈજાગ્રસ્ત થયા છે. આગમાં વેપારીઓના લાખો રૂપિયાના માલનું નુકસાન થયાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે, જોકે
નુકસાનીનો ચોક્કસ આંક તો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયા બાદ જ સામે આવી શકશે. પ્રાથમિક અંદાજ 10થી 12 કરોડનો
લગાવવામાં આવ્યો છે. સવારે સાત વાગ્યે રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આગની ઘટના સમગ્ર શહેરમાં વાયુવેગે પ્રસરી જવા પામી હતી.
ઘટના અંગે જાણ થતાં જ માર્કેટનાં વેપારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક માર્કેટ તરફ ધસી ગયા હતા. એક તબક્કે આગની
જવાળાઓ ત્રણથી ચાર કિલોમીટર દુર સુધી દેખાતાં વેપારીઓનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો. કરોડો રૂપિયાનાં નુકસાનની
આશંકાઓ વચ્ચે સવારથી જ વેપારીઓની સાથે-સાથે કર્મચારીઓ પણ માર્કેટ પરિસર અને આસપાસ ટોળે વળીને ઉભા છે.
આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલાક વેપારીઓ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે માલ બહાર કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો. આગ
પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગનાં ઉચ્ચાધિકારીઓ સહિત 9 ફાયર સ્ટેશનનો કાફલો પણ જોતરાયો હતો. જેને પગલે સમગ્ર
વિસ્તારમાં ભારે ટ્રાફિકજામની સમસ્યાને ધ્યાને રાખીને ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસ દ્વારા રાજ ટેક્સટાઈલ માર્કેટ તરફનાં
બંને રસ્તાઓ કોર્ડન કરી લેવામાં આવ્યા હતા. આ સ્થિતિમાં ફાયર વિભાગની ગાડીઓને ત્વરિત ઘટના સ્થળે પહોંચવામાં સરળતા
રહી હતી. સુરતની સૌથી ઊંચી 90 મીટરની હાઇડ્રોલિક ઘટના સ્થળે લાવવામાં આવી હતી. જોકે ટેક્સટાઇલ માર્કેટની અંદર પ્રવેશી
શકી ન હતી જેના કારણે ફસાઈ ગઈ હતી. ફાયર વિભાગ પાસે 42 મીટર ની હાઇડ્રોલિક છે જે સીધી જ જઈ શકે છે. જ્યારે 55
મીટરની હાઈડ્રોલિક 90 ડિગ્રી સુધી ફરી શકે છે. જ્યારે 90 મીટરની હાઇડ્રોલિક 360 ડિગ્રી સુધી ફરી શકે છે. જેથી કોઈ પેસેજની
અંદર પણ હાઇડ્રોલિક અંદર જઈને ફાયર ફાઈટિંગ કરી શકે છે. રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફ્ટી હોવાનું ફાયરના અધિકારીઓ
દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે જ ફાયર સેફ્ટી આગની અંદર કઈ રીતે કામ ન કરી શકે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે.
જોકે વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાથી ફાયર સેફટી કામ ન કરી શકી હોવાની પણ શક્યતાઓ છે. જોકે પાણીની સપ્લાય
પણ રાજ ટેક્સટાઇલ માર્કેટમાંથી જ લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *