ગાંધીનગર/સુરત,
સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને ખેડૂતોના દેવા માફ કરવાની જોરદાર માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે વારંવાર આવતી કુદરતી આફતો, અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે જગતનો તાત દેવાદાર બની ગયો છે.
બદલાતા વાતાવરણ અને વારંવાર આવતી કુદરતી આફતોને કારણે ગુજરાતના ખેડૂતો વારંવાર પાકના નુકસાનનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેઓ દેવાની જાળમાં ફસાઈ પડ્યા છે. આ સમસ્યા હલ કરવા વરાછા વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે સરકારે આગળ આવીને ખેડૂતોને દેવા મુક્ત કરીને તેમને ફરી બેઠા કરવા જોઈએ, જેથી તેઓ ચિંતા મુક્ત થઈને ખેતી તરફ પરત ફરે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં રજૂઆત કરી છે કે અતિવૃષ્ટિ, કમોસમી, માવઠું અને વાવાઝોડા જેવી આફતોના સમયે સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહી છે અને પાક નુકસાન અંગે આર્થિક સહાય પણ આપે છે. પરંતુ આ સહાયથી ખેડૂતોને સંપૂર્ણ રાહત મળતી નથી અને તેઓ બેઠા થઈ જતા નથી. વારંવાર થતા પાક નુકસાનને કારણે ખેડૂતો દેવામાં ધકેલાતા જાય છે. તેમણે કહ્યું કે, “છેલ્લા ચાર વર્ષથી આ પરિસ્થિતિ હું જોતો આવ્યો છું. માત્ર સહાયથી નુકસાનીની ભરપાઈ થઈ શકતી નથી, કારણ કે મજૂરી, બિયારણ, દવા સહિતનો ખર્ચ ખેડૂતોએ કર્યો છે અને જ્યાં મોંઢે આવેલ કોળિયો ચાલ્યો ગયો છે.”
તેમજ કાનાણીએ વધુમાં જણાવ્યું કે બદલાતા મોસમને લઈને ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે સરકારે ખેડૂતોને દેવા મુક્ત કરવા માટે તેમનું દેવું માફ કરવા વિચારવું જોઈએ. તેમણે સૂચવ્યું છે કે હાલ જે પ્રોજેક્ટ અત્યંત જરૂરી ના હોય તેવા પ્રોજેક્ટને એકબાજુએ મૂકવા જોઈએ અને સરકારી કાર્યક્રમોમાં થતાં ખર્ચમાં કરકસર કરવી જોઈએ. આનાથી બચત થયેલા ભંડોળથી ખેડૂતોને દેવા મુક્ત કરી શકાય. તેમણે કહ્યું, “દેવામુક્ત થાય તેવી વેદના ખેડૂતની છે અને ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ મેં કર્યો છે.”
તેમણે ઉમેર્યું કે આ પગલાથી ખેડૂત ફરી બેઠો થઈ શકશે અને ચિંતા મુક્ત થઈને નવા જોશ-ઉમંગથી ખેતી તરફ પરત ફરશે. તેમણે ચેતવણી પણ આપી કે જો આમ નહીં કરવામાં આવે તો, ‘ખેડૂત ખેતીથી દુર ભાગતો થશે અને જો ખેતી ઓછી થશે તો ભવિષ્યમાં ખૂબ મોટી સમસ્યાઓ ઉપસ્થિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.’

