રાજકોટ જિલ્લા સહકારી બેંકના સભાસદ ખેડૂતોને એક વર્ષ માટે શૂન્ય ટકા વ્યાજે ખાસ લોન આપવામાં આવશે

સોશિયલ મીડિયા પર શેર કરો

રાજકોટ,

આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ અને તે પછી કમોસમી વરસાદ ના કારણે ખેતીને મોટુ નુકસાન પહોંચ્યું છે, ત્યારે રાજ્ય સરકારે પાક નુકસાનીનો સરવે કરાવ્યા બાદ ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેક્ટર દિઠ બે હેક્ટરની મર્યાદામાં 22 હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા પણ ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. બેંક દ્વારા ખેડૂતો માટે ખાસ કૃષિ લોનની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, આ વખતે ચોમાસામાં ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. ત્યારે રાજકોટ બેંક હંમેશા ખેડૂતોની બેંક રહી છે. ખેડૂતો માટે આજે બેંક દ્વારા કૃષિ લોન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બેંકના સભાસદ 2.25 લાખ ખેડૂતોને એક વર્ષ માટે શૂન્ય ટકા વ્યાજે ખાસ લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

વધુમાં જયેશભાઈ એ જણાવ્યું હતું કે, બેંકના સભાસદ ખેડૂતોને હેક્ટર દીઠ 12500 સુધીની લોન મળવાપાત્ર થશે. જ્યારે વધુમાં વધુ 65 હજારની લોન અપાશે. રાજકોટ અને મોરબી જિલ્લાના 2.25 લાખ ખેડૂતોને આ લોન યોજનાનો લાભ મળશે. ખેડૂતોને માવઠાંથી થયેલા નુકસાનની ભરપાઇ અને રવિ પાકના વાવેતર માટે આ લોન અતિ મહત્વની છે. ખેડૂતો પાસેથી વધારાના કોઈ કાગળો લેવામાં આવશે નહીં. જેવી રીતે ધીરાણ મેળવીએ છીએ એજ રીતે મંડળીમાં કાગળો આપીને લોન મેળવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *