કેન્દ્રીય મંત્રીશ્રી એ પુરૂષ હોકી ટીમના સમર્પણ અને સખત મહેનતની પ્રશંસા કરી
નવી દિલ્હી,
યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં પેરિસ 2024 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવવામાં ભારતીય હોકી ટીમને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ડૉ. માંડવિયાએ ટીમના સમર્પણ અને સખત મહેનતની પ્રશંસા કરી અને કહ્યું કે વૈશ્વિક મંચ પર તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શને સમગ્ર રાષ્ટ્રને ગૌરવાન્વિત કર્યું છે.
ડૉ. માંડવિયાએ જણાવ્યું કે, “સમગ્ર રાષ્ટ્રને તમારી સિદ્ધિ પર ગર્વ છે.” “આ જીત તમારી દ્રઢતા, ટીમવર્ક અને અદમ્ય ભાવનાનો પુરાવો છે. તમે ભારતને અપાર ગૌરવ અપાવ્યું છે અને લાખો યુવા રમતવીરોને તેમના સપના સાકાર કરવા માટે પ્રેરિત કર્યા છે.”
કેન્દ્રીય મંત્રીએ કોચિંગ સ્ટાફ અને સહાયક ટીમના અથાક પ્રયત્નોની પણ પ્રશંસા કરી અને ટીમની સફળતામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપી. તેમણે ભારતમાં હોકીનો વધુ વિકાસ કરવા અને દેશની રમત પ્રતિભાને ઉછેરવા માટે તમામ જરૂરી સમર્થન આપવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
ડૉ. માંડવિયાએ ભારપૂર્વક કહ્યું કે, “હૉકી આપણાં માટે માત્ર એક રમત નથી – તે આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. ટીમ દ્વારા પ્રદર્શિત સખત મહેનત, પ્રતિબદ્ધતા અને જુસ્સાને કારણે આ ઐતિહાસિક સફળતા મળી છે. તમે વિશ્વને બતાવ્યું છે કે સંકલ્પ અને નિશ્ચયથી શું પ્રાપ્ત કરી શકાય છે.”