ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે 8 નવેમ્બરના સરગાસણ-તારાપુર વિસ્તારના ટીપી-29માં આવેલા શિવેશ્વર મહાદેવ મંદિરને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે મંદિરના ભક્તો અને સ્થાનિક રહેવાસીઓએ હર હર મહાદેવના નાદ સાથે ઉગ્ર વિરોધ નોંધાવતા ડિમોલિશનની કામગીરી અટકી પડી હતી. શિવ ભક્તોના વિરોધને પગલે મહાનગરપાલિકાની ટીમે સુરક્ષા કારણોસર ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.
ગાંધીનગરના સરગાસણ-તારાપુર વિસ્તારના ટીપી-29માં આવેલા શિવેશ્વર મહાદેવ મંદિરને દૂર કરવા માટેની કાર્યવાહી દરમ્યાન ભક્તો અને સ્થાનિકોએ વિરોધ નોંધાવતા મહાનગર પાલિકાને વિલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી. સુપ્રિમ કોર્ટના આદેશો બાદ ગાંધીનગરમાં તમામ ધાર્મિક દબાણોની યાદી તૈયાર કરીને તેને તબક્કાવાર દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા ચાલી રહી છે
જે અંતગર્ત ટીપી-29 તારાપુર-સરગાસણ વિસ્તારમાં આવેલું આ શિવેશ્વર મહાદેવ મંદિર મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટ પર ગેરકાયદેસર રીતે બનેલું છે. આથી GMC દ્વારા મંદિર ટ્રસ્ટને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જોકે સ્થાનિકોની રજૂઆત બાદ આ દબાણ જાતે અને સુરક્ષિત રીતે દૂર કરવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો.
ત્યારે આ સમયગાળો પૂર્ણ થતાં મહાનગરપાલિકાની ડિમોલિશન ટીમ આજે કાર્યવાહી કરવા માટે સ્થળ પર પહોંચી હતી. પરંતુ મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિકો અને શિવ ભક્તોએ કાર્યવાહીનો સખત વિરોધ શરૂ કરી દીધો હતો. આ વિરોધના કારણે સ્થળ પર તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો.
આ અંગે સરગાસણના મારું વિમળાબેન પ્રજાપતિએ કહ્યું કે,અહીંયા અમે ભક્તિ ભજન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ.આ શિવની પૂજા કરીએ છીએ. બધા આજુબાજુવાળી બધી સોસાયટી, બહેનો, ભાઈઓ બધા અહીંયા દર્શન કરવા આવીએ છીએ. તો કોઈ દુર્યોધન ઊભો થયો છે, તો અહીંયા બધું નાશ કરવા આવ્યો છે. એનો પણ નાશ થવો જોઈએ.
આખરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે મનપાની ટીમે કોઈપણ પ્રકારની કામગીરી કર્યા વિના ત્યાંથી પરત જવાનો નિર્ણય લીધો હતો.આ બનાવને પગલે શહેરમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે એક તરફ કાયદાનું પાલન કરાવવાનું અને બીજી તરફ આસ્થાનો મામલો હોવાથી આ ધાર્મિક દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા હવે આગળ શું પગલાં લેવામાં આવશે.

