804 કરોડના સાયબર ફ્રોડ મામલે CID ક્રાઈમે સુરતથી 6 શખસોને ઝડપી પાડ્યા,
ભંગારના ધંધાની આડમાં રૂપિયા સગેવગે કરતા, અલગ-અલગ રાજ્યોના નાગરિકોને લોભ લાલચ આપી તેમના નામે વિવિધ બેંકોમાં નવા એકાઉન્ટ ખોલાવતી, જેમાંથી કીટ અને મોબાઈલ SIM કાર્ડ મેળવી દુબઈ મોકલવામાં આવતા
સુરત
સાયબર સેન્ટર ઑફ એક્સીલન્સ, CID ક્રાઈમ, ગાંધીનગરે સુરત ખાતે ખાનગી બાતમીના આધારે રેઇડ કરી સાયબર ઠગાઈમાં સંડોવાયેલા વધુ 06 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ ભારતમાં અલગ-અલગ રાજ્યોના નાગરિકોને લોભ લાલચ આપી તેમના નામે વિવિધ બેંકોમાં નવા એકાઉન્ટ ખોલાવતી, જેમાંથી કીટ અને મોબાઈલ SIM કાર્ડ મેળવી દુબઈ મોકલવામાં આવતા. દુબઈમાં બેઠેલા મુખ્ય સુત્રધાર દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી સમગ્ર દેશમાં લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કુલ 1549 સાયબર ગુનાઓ કરી આશરે 804 કરોડ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
આ ગેંગ છેલ્લા એક વર્ષથી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરા હેઠળ કાર્યરત હતી અને પોતાની ઓળખ છતી ન થાય તે માટે વચેટિયા અને કમિશન એજન્ટોની મદદથી મોટા પ્રમાણમાં બેંક ખાતા અને SIM કાર્ડ એકત્ર કરાવાતા હતા. પકડાયેલા આરોપીઓ સાઝેબ ફિરોજભાઈ ખેરાણી, સોહિલ સદરુદ્દીન વઢવાણીયા, અમીનભાઈ અકબરભાઈ ભાયાણી, કમલેશ અશોક સેન, સાગર અશોક સેન અને રાહુલકુમાર રાજેશકુમાર અગ્રવાલ પર બેંક ખાતા ખોલાવવા, SIM કાર્ડ મેળવવા, ભંગારના ધંધાની આડમાં રકમ સગેવગે કરવા તથા છેતરપીંડીના પૈસાની ઉઠાંતરી કરી મુખ્ય સુત્રધાર આમીર અલ્તાફ હાલાણી સુધી પહોંચાડવાનો આરોપ છે. આ ગેંગ દ્વારા 200 થી વધુ ભંગાર ભરેલા ટ્રક મોકલવામાં આવ્યા હોવાનું અને 20 કરોડથી વધુ રકમનો વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું મનાય છે. સીમ કાર્ડ દીઠ 1000 રૂપિયા અને બેંક કીટ દીઠ 50,000 રૂપિયાનું કમિશન આપતા હતા, જ્યારે પૈસા વિથડ્રૉલ કરવા બદલ 1 ટકા સુધી કમિશન આપતા હતા.
આ સાયબર ગુનામાં Digital Arrest, Investment Fraud, UPI Fraud, Deposit Fraud, Loan Fraud અને Part-time Job Fraud જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. દરમિયાન આરોપીઓ પાસેથી 06 મોબાઈલ ફોન મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વધુ આરોપીઓની ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની તપાસ ચાલુ છે. સામાન્ય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે અજાણ્યા મેસેજ, કોલ, લિંક્સ, part-time job ઓફર અથવા ડિજિટલ ધરપકડની ધમકી આપતા કૉલથી સાવચેત રહેવું.

