અમદાવાદ,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME’ના લોન્ચિંગ પ્રસંગે MSMEને અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ત્રીજી ટર્મમાં દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. એમ જણાવતા તેમણે કહ્યું કે ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકાર જવાબદારીપૂર્વક પ્રયત્નશીલ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, પ્રોત્સાહક પોલિસી તેમજ સરકાર તરફથી ઝડપી ક્લિયરન્સના ઉત્તમ પરિણામે આજે ગુજરાતમાં ૧૯.૮૦ લાખ રજિસ્ટર્ડ MSME કાર્યરત છે. તેના માધ્યમથી ૧.૦૭ કરોડ લોકોને રોજગારી મળી રહી છે. દેશમાં ૫% ભૂ-ભાગ ધરાવતા ગુજરાતનું GDPમાં ૮.૬૩% યોગદાન હોવું એ આપણા સહુ માટે ગૌરવની બાબત છે, એમ તેમણે ઉમેર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પાયામાં પણ ગુજરાતના ઉદ્યોગોને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિચાર છે. એમ જણાવી તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આજે રાજ્યમાં ઉદ્યોગો માટે વીજળી, રોડ-રસ્તા સહિતની આનુષંગિક સેવાઓની ગુણવત્તા સુધરી છે. તેના પરિણામે ગુજરાત ઉદ્યોગની સ્થાપના માટે પ્રથમ પસંદગીનું સ્થાન બન્યું છે.મુખ્યમંત્રીશ્રીએ IACCનું ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME’ ભારત અને અમેરિકાના ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ આ અવસરે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્વાગત સંબોધન કરતા IACCના પ્રથમ ગુજરાતી પ્રેસિડેન્ટ શ્રી પંકજ બહોરાએ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિને ગુજરાત-અમેરિકાના ઔદ્યોગિક સંબંધોની મજબૂતીની સાબિત ગણાવી હતી. આવનારા સમયમાં સેન્ટર ફોર એક્સિલન્સના માધ્યમથી ગુજરાત-અમેરિકા વચ્ચેના આ સંબંધો વધુ ગાઢ બનશે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી હતી. આ ‘સેન્ટર ઓફ એક્સેલન્સના ઉદ્દઘાટન અવસર સાથે MSME સંલગ્ન વિવિધ વિષયો પર ચર્ચા-મંથન માટે એક દિવસીય કોન્ફરન્સનું પણ અયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્દઘાટન સત્રમાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભા જૈન, રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અગ્રસચિવ સુશ્રી મમતા વર્મા તેમજ IACCના હોદ્દેદારો સહિત MSME ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.