44 લાખ લીધા બાદ દસ્તાવેજ કે બાનાખત ન કરી આપનાર બિલ્ડર સામે ફરિયાદ
અમદાવાદ
અમદાવાદમાં રહેતા યુવકને બિલ્ડરે પોતાની સાઈટમાં 61 લાખ રૂપિયામાં મકાન આપવાનું નક્કી કર્યું હતું. યુવકે બિલ્ડર પર વિશ્વાસ કરીને મકાન પેઠે 44 લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ પૈસા આપ્યા બાદ બિલ્ડરે મકાનનો બહાના કટકે વેચાણ દસ્તાવેજ આપ્યો નહોતો વારંવાર કહેવા છતાં દસ્તાવેજ ના કરી આપતા યુવકે બિલ્ડર વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
સોલામાં રહેતા બ્રિજેશ રાવલ ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે.તેમની કંપની દ્વારા સરકારી કોન્ટ્રાક્ટ મેળવી રોડ રસ્તા તેમજ બિલ્ડીંગનું કન્સ્ટ્રકશન કામ કરવામાં આવે છે.બ્રિજેશભાઈનો સંપર્ક નવા વાડજ ખાતે આવેલી શ્યામ હાઇટ્સ નામની કન્સ્ટ્રક્શન સાઈટના બિલ્ડર ભાવિન પોરીયા સાથે થયો હતો. 2023માં બ્રિજેશભાઈએ ભાવિન પોરિયાને મકાન ખરીદવા બાબતેની વાતચીત કરી હતી. ભાવિને બધા ખર્ચ સાથે તેની સાઈટમાં 61 લાખમાં મકાન આપવાનું નક્કી કર્યું હતું. મકાનની ખરીદી પેટે બ્રિજેશભાઈએ બેંકમાંથી અલગ અલગ આરટીજીએસ દ્વારા કુલ 53.50 લાખ રૂપિયા આપ્યા હતા.
ભાવિને 10 લાખ રૂપિયા ચેકથી બ્રિજેશભાઈને પરત આપ્યા હતા. મકાન પેટે ભાવિને 43.50 લાખ અને ટીડીએસના 53,000 એમ કુલ 44.03 લાખ રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યા બાદ બ્રિજેશભાઈએ ભાવિનને બાનાખત અને દસ્તાવેજ માટે જણાવ્યું હતું. પરંતુ ભાવિન કોઈ જવાબ આપતો ન હતો. જેથી બ્રિજેશભાઈએ મકાન માટે આપેલા પૈસા પરત માંગ્યા તે પૈસા પણ ભાવિને પરત આપ્યા ન હતા. બ્રિજેશભાઈએ ભાવિન વિરૂદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

