સુરત
સુરત શહેરમાં ડુપ્લીકેટ વસ્તુઓ બનાવી અસલીના નામે પધરાવી દેવાનું વધુ એક નેટવર્ક સામે આવ્યું છે. બે મહિના બાદ આજે (18
ડિસેમ્બર) ફરી લોકોના સ્વાસ્થ્ય અને ત્વચા સાથે ચેડાં કરતી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું છે. પુણા વિસ્તારમાં આવેલ
શાશ્વત પ્લાઝામાં પોલીસે દરોડો પાડીને ડુપ્લીકેટ ત્વચાને કોમળ અને કાળા ડાઘ ઘટાડવાની નકલી ક્રીમનો લાખોનો મુદ્દામાલ જપ્ત
કર્યો છે. પુણા પોલીસે સ્થળેથી એખ 21 વર્ષીય યુવકની ધરપકડ પણ કરી છે. આરોપી આ હલકી ગુણવતા વાણી ક્રીમ પર બ્રાન્ડેડ
સ્ટીકર લગાવી અડધી કિંમતમાં ઓનલાઈન વેચણ કરતો હતો.
શું હતો સમગ્ર મામલો?ઃ પુણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝાના બીજા માળે એક દુકાનમાં નકલી બ્યુટી ક્રીમ બનાવવાનું કામ
ચાલતું હોવાની બાતમી મળી હતી. આ કૌભાંડમાં ‘ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમ’ (DermDoc Honest Night Cream) નામની
જાણીતી બ્રાન્ડના નામે નકલી ક્રીમ બનાવવામાં આવતી હતી. કંપનીના પ્રતિનિધિઓને આ બાબતની શંકા જતાં તેમણે પોલીસનો
સંપર્ક કર્યો હતો અને સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, માત્ર 21 વર્ષનો આરોપી અર્ષિત
લાલજીભાઈ દેસાઈ (રહે. કામરેજ) આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. આરોપી હલકી કક્ષાની ક્રીમ લાવી તેને પ્લાસ્ટિકની ડબ્બીઓમાં
ભરતો હતો. આ ડબ્બીઓ પર અસલી કંપનીના સ્ટીકર લગાવી, હીટ ગન મશીનથી પ્રોફેશનલ પેકિંગ કરવામાં આવતું હતું. આ નકલી
ક્રીમ તે ફ્લિપકાર્ટ (Flipkart) જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતો હતો. ઓરીજનલ ક્રીમની કિંમત 399 રૂપિયા છે, જ્યારે
આરોપી ગ્રાહકોને લલચાવવા માત્ર 170 રૂપિયામાં આ નકલી ક્રીમ ઓનલાઈન વેચતો હતો. પોલીસે શાશ્વત પ્લાઝા અને આરોપીના
કામરેજ સ્થિત ઘરે દરોડા પાડીને વસ્તુઓ કબજે કરી છે. જેમાં નકલી ક્રીમની 801 નંગ ડબ્બીઓ (50 ml), કંપનીના લોગોવાળા
નકલી સ્ટીકરો અને પારદર્શક પેકિંગ રેપર, હીટ ગન મશીન અને ફ્લિપકાર્ટના બ્રાન્ડિંગવાળી સેલોટેપ મળી કુલ કિંમત આશરે 3.19
લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
નિષ્ણાતોના મતે, આ ક્રીમમાં વપરાયેલું મટીરિયલ હલકી ગુણવત્તાનું હોવાથી ત્વચા પર ખીલ, કાળા ડાઘ અથવા ગંભીર ઈન્ફેક્શન
થવાની પૂરેપૂરી શક્યતા છે. ત્વચાને કોમળ બનાવવાના બહાને આ ક્રીમ લોકોના ચહેરાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. પુણા
પોલીસે આરોપી અર્ષિત દેસાઈ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું
છે કે તે છેલ્લા દોઢ મહિનાથી આ કાળો કારોબાર ચલાવી રહ્યો હતો.

