ગાંધીનગર
બનાસકાંઠામાં આવેલ દાંતા તાલુકાના એક ગામની શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી વિદેશમાં સ્થાયી થયા છે. પોતાની સરકારી ચાલુ નોકરીએ શિક્ષિકા મેડમ છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં મ્હાલી રહ્યા છે અને અહીં આદિવાસી વિસ્તારના બાળકોનું શિક્ષણ તેમના શિક્ષક વિના ખોરંભે ચડ્યુ છે તેવો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જો કે, શાળાના કૂલ શિક્ષકોની જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે આ મેડમ ન હોવા છતા તેમનુ નામ ગણાય છે પરંતુ 8 વર્ષથી મેડમ શાળામાં એક પણ વાર પણ આવ્યા નથી.
આ મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યુ હતું કે, શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી ગેરહાજર હોવાની બાબતે તેમના ધ્યાને આવી છે અને તે શિક્ષિકાને પગાર ચુકવવામાં આવ્યો નથી અને જો કદાચ કોઈ કિસ્સા ચુકવાયો પણ હશે તો તેના સામે ચોક્કસપણ કડક પગલા લેવામાં આવશે. રાજ્યમંત્રી પાનસેરિયાએ વધુમાં જણાવ્યુ હતું કે, ગામડાઓની શાળામાં બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ મોટી રજા લઈને જતા હોય અને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય આવા શિક્ષકોની તમામ જાણકારીનો રિપોર્ટ સોમવાર સુધીમાં આવી જશે અને જ્યા પણ ક્ષતિ જણાશે તેવા કિસ્સાઓમાં જરૂરથી કાર્યવાહી કરવામાં આવશે. શાળામાં શિક્ષકોની ફરજિયાત હાજરી પુરાય તેવી સિસ્ટમ પણ ટૂંક સમયમાં ઉભી કરવામાં આવશે.