અરવલ્લી,
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનને કારણે રમખાણ ફાટી નીકળ્યા હતા. જે બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવી હતી. ત્યારે ગત રોજ અરવલ્લીના બાયડમાંથી એક બાંગ્લાદેશી યુવકને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. આ મામલે મળતી પ્રાથમિક માહિતી મુજબ બાંગ્લાદેશી યુવક છેલ્લા એક અઠવાડિયાથી બાયડનાં રમાસ ગામે રહેતો હતો. યુવકની શંકાસ્પદ પ્રવૃતિઓને લઈ ગામનાં કેટલાક યુવાનોને શંકા જવા પામી હતી. જે બાદ ગામનાં યુવકો દ્વારા બાંગ્લાદેશી યુવકને પૂછપરછ માટે બોલાવતા યુવક ડરનાં માર્યો બાઈક પર ફરાર થઈ ગયો હતો. જે બાદ ગ્રામજનો દ્વારા આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા અરવલ્લી SOG પોલીસે શંકાઓનાં આધારે યુવકને ઝડપી પાડ્યો હતો.
બાયડનાં રમાસમાંથી ઝડપાયેલ બાંગ્લાદેશી યુવકનાં મોબાઈલની પોલીસે તપાસ હાથ ધરતા તેને ફેસબુક એકાઉન્ટમાં તેનું નામ એમડી બુશિરખાન હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ યુવક દ્વારા સોશિયલ મીડિયામાં અનેક વાંધાજનક પોસ્ટ તેમજ લખાણ બહાર આવી ગયા હતા. તેમજ ફેસબુકમાં તે પોતે હાલ યુનાઈટેડ આરબ અમીરાતમાં રહેતો હોવાનું પણ તપાસમાં બહાર આવવા પામ્યું છે. આ બાબતે જીલ્લા પોલીસ વડા શેફાલી બરવાલે જણાવ્યું હતું કે, ઓસઓજીની ટીમ દ્વારા બાંગ્લાદેશી યુવકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમજ સોશિયલ મીડિયામાં કરાયેલ વાંધાજનક પોસ્ટ બાબતે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એસઓજી દ્વારા બાંગ્લાદેશી યુવક કેવી રીતે ગુજરાતમાં આવ્યો તેમજ તેને કોણે કોણે મદદ કરી. તેમજ બાયડનાં રમાસ ગામે તે કેવી રીતે પહોંચ્યો. અને કોનાં ઘરે રોકાયો છે. તે તમામ બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.