મુંદ્રા,
કચ્છના મુન્દ્રા પાસે આવેલી નીલકંઠ કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં, ચિમની રિપેરિંગ દરમિયાન અચાનક જ લોખંડની ચેનલ તૂટી પડતાં 19 જેટલા પરપ્રાંતીય મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 1 મહિલા કામદાર સહિત 2ના મોત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ 4 શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુન્દ્રાની એક ખાનગી કંપનીમાં ચિમની રિપેરીંગનું કામ ચાલી રહ્યું હતુ. તે દરમિયાન કેટલાક શ્રમિકો કામ કરવા 35 ફૂટ ઉંચી ચિમની પર ચઢયા હતા. અચાનક જ ચિમની તૂટી પડતા બે શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટના બનતા કંપનીમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બે શ્રમિકોના મૃતદેહને પીએમ કરી તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા છે. શ્રમિકોએ સેફટીના સાધનો પહેર્યા હતા કે નહી તેને લઈ વધારે તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શ્રમિકોને ગાંધીધામની સ્ટર્લિંગ, ડિવાઈન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઘટનામાં 17 જેટલા લોકોને ઇજા પહોંચી છે. આ દુર્ઘટના કઈ રીતે બની અને કોની બેદરકારીને લઈને ઘટના સર્જાઈ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.