AMC દ્વારા રખિયાલમાં ડિમોલિશન ડ્રાઈવ, ગેરકાયદેસર કારખાના, દુકાનો અને દબાણો પર ફેરવાયું બુલડોઝર

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ચંડોળા તળાવ પર મેગા ડિમોલિશન ડ્રાઈવ બાદ ફરી એકવાર તંત્ર દ્વારા રખિયાલના મોરારજી ચોકમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પર ગેરકાયદે ઊભા કરવામાં આવેલા 20થી વધુ કારખાના અને દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત રખિયાલ ખાતે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એક પરિવાર દ્વારા પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરી નમાજની જગ્યા બનાવી હતી તેને તોડી પાડવામાં આવી હતી. 350થી વધુ પોલીસકર્મીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી હતી. બુલડોઝર દ્વારા બાંધકામો તોડી પાડવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓના ટોળા ડિમોલિશન જોવા માટે એકઠા થયા હતા.

આ ડિમોલિશન ડ્રાઈવ મામલે અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2008માં અહીં જ ડિમોલિશન કરાયું હતું, ત્યારબાદ ફરીથી ગેરકાયદે બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા. ઘણા લોકોએ ખુલ્લા પ્લોટમાં શેડ અને અનધિકૃત બાંધકામો ઊભા કર્યા હતા, જે મૂળ 1960માં મિલ કામદારો માટે બનાવેલી આવાસ યોજનાનો ભાગ હતો. 

આ બાબતે અધિકારીઓએ ખુલાસો કર્યો કે, ચંડોળાની માફક રખિયાલમાં ઘણી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો કરી વીજળી કનેક્શન લીધા હોવાનું જાણવા મળ્યું હતું. 

પત્રકારો સાથે વાતચીત કરતા એસી.પી આર. ડી. ઓઝાએ જણાવ્યું હતું કે હાઉસિંગ બોર્ડ દ્વારા તેની જમીન પાછી મેળવવાના પ્રયાસોના ભાગરૂપે ડિમોલિશન ઝુંબેશ ચાલુ રહેશે. “આ હાઉસિંગ બોર્ડની મિલકત છે. બોર્ડે ડિમોલિશન કવાયત માટે પોલીસ સુરક્ષા માંગી હતી. હાલમાં એસીપી, પીઆઈ અને પીએસઆઈ સહિત 385 પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *