અમદાવાદ,
શહેરની એસઓજી પોલીસ ની ટીમે વાસણા વિસ્તારમાંથી પોલીસે ડ્રગ્સનું છૂટક વેચાણ કરનાર પેડલરની ધરપકડ કરી છે. વાસણા પોલીસે ધર્મેન્દ્ર ઠાકોર નામના 22 વર્ષીય યુવકની ડ્રગ્સના કારોબારમાં સંડોવણી હોવાથી ધરપકડ કરવામાં આવી છે. વાસણા પોલીસને મળેલી માહિતીના આધારે વાસણાના નારાયણ વગર રોડ પર એકતા ટાવર ચાર રસ્તા પરથી આ આરોપીને પકડવામાં આવ્યો હતો. એની તપાસ કરતા તેના પાસેથી 22 ગ્રામ 350 મિલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી આ મામલે વાસણા પોલીસે NDPS નો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે જુહાપુરાના ઉસામા શાહિદ અહેમદ ઉર્ફે ભૂરો નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવીને છૂટક વેચાણ કરતો હતો. વાસણા પોલીસે આરોપી પાસેથી કબજે કરેલા 2.23 લાખના ડ્રગ્સ અને વાહન સહિતના મુદ્દા માલ ને જપ્ત કરી આ ગુનામાં ફરાર આરોપી અંગે તપાસ શરૂ કરી હતી. તેવામાં પોલીસને જાણવા મળ્યું કે આ ગુનાનો વોન્ટેડ આરોપી ઉસામા ભૂરો ડ્રગ્સના કેસમાં જ જેલવાસ ભોગવી રહ્યો છે.પોલીસ દ્વારા પકડાયેલા આરોપીના પરિવારજનો દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને તે કોઈ કામ ધંધો કરતો ન હોય ટૂંક સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં ડ્રગ્સના કારોબારમાં જોડાયો હોવાનું સામે આવ્યું છે. તેવામાં આ આરોપી કઈ જગ્યા પર અને કોને કોને ડ્રગ્સ વેચતો હતો તેના ગ્રાહકો કોણ હતા અને અગાઉ કેટલી વાર ડ્રગ્સ વેચી ચૂક્યો છે, તે તમામ પાસા ઉપર વાસણા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.