અમદાવાદ પોલીસે 100 થી વધુ લોકો બન્યા ભોગ બનાવનાર 2 ડિજિટલ વ્યાજખોરની ધરપકડ કરી

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

અમદાવાદ પોલીસના આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓ દ્વારા માહિતીના આધારે દાણીલીમડા પાસેથી બે યુવકોને પકડી તેઓના ફોનની તપાસ કરતા તેમાંથી વ્યાજે આપેલા પેસાની ડિજિટલ ખાતાવહી મળી આવી હતી. આરોપીઓએ 100 થી વધુ લોકોને વ્યાજે પૈસા આપી મહિને ઉંચો વ્યાજદર મેળવતા હતા.  

અમદાવાદ પોલીસના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે અલ્લારખા અબ્દાલ અને સઈદ શેખ નામનાં બે શખ્સોની સામે વ્યાજખોરી બાબતે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. હાલમાં વ્યાજખોરો સામે રાજ્યભરમાં ઝુંબેશ ચાલી રહી છે. તેવામાં આર્થિક ગુના નિવારણ શાખાની ટીમને મળેલી માહિતીના આધારે દાણીલીમડા પાસે આવેલી લકી રેસ્ટેરેન્ટ હોટલ બહારથી બે યુવકોને પકડવામાં આવ્યા. બન્નેની તપાસ કરતા તેઓની પાસેથી મોબાઈલ મળી આવ્યા. જે મોબાઈલમાં પોલીસે તપાસ કરતા તેમાં ખાતાવહી નામની એપ્લીકેશનમાં વ્યાજે પૈસા આપ્યા હોય તેની વિગતો લખેલી જોવા મળી હતી. અલ્લારખાના ફોનમાંથી 68 જેટલા લોકોને વ્યાજે આપેલા 3.99 લાખ રૂપિયાની એન્ટ્રી હતી, જ્યારે સઈદ શેખના ફોનમાં 45 લોકોને આપેલા 5.68 લાખ રૂપિયાના હિસાની એન્ટ્રીઓ મળી હતી.

આર્થિક ગુના નિવારણ શાખાએ બન્ને આરોપીઓની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. વધુ પુછપરછમાં સામે આવ્યું કે બન્ને આરોપીઓ લારી વાળા, રીક્ષાવાળા તેમજ ગલ્લાવાળાઓને વ્યાજે પૈસા આપતા હતા અને દર મહિને 15 ટકાથી વધુ વ્યાજ વસૂલતા હતા. આરોપીઓ કોઈને પણ વ્યાજે 5 હજાર રૂપિયા આપે તો પહેલા 500 રૂપિયા કાપી લેતા અને બાદમાં દરરોજ 100 રૂપિયા લેખે 55 દિવસ સુધી 5500 રૂપિયા વસૂલ કરતા હતા. તેવી જ રીતે 10 હજાર રૂપિયા વ્યાજે આપતા તો 1 હજાર રૂપિયા કાપીને બાદમાં રોજના 200 રૂપિયા 55 દિવસ સુધી મેળવી 11 હજાર રૂપિયા મેળવતા હતા. 

પોલીસ તપાસ માં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ ગરીબ વર્ગના લોકોને ટાર્ગેટ કરીને તેમના ઓરિજનલ ડોક્યુમેન્ટ પણ લઈ લેતા હતા. અત્યાર સુધીની તપાસમાં કુલ 113 ભોગ બનનાર મળી આવ્યા છે તેવામાં આ કેસમાં આરોપીઓની વધુ તપાસ કરી અન્ય કોઈ ભોગ બનનાર છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *